2013 સ્પોટ-ફિક્સિંગ પર શ્રીસંતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 10 લાખ રૂપિયા માટે હું આવું શું કામ કરું...
શ્રીસંતે કહ્યું કે મેં ઘણા લોકોને મદદ કરી છે અને તેમની પ્રાર્થનાને કારણે હું ત્યાંથી બહાર નીકળી શક્યો છું.
વર્ષ 2013 માં જ્યારે રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓના નામ ફિક્સિંગમાં આવ્યા ત્યારે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન જે ખેલાડીનું નામ સૌથી વધુ ઉછળ્યું તે અન્ય કોઈ નહીં પરંતુ ભારતના ઝડપી બોલર એસ શ્રીસંત હતો. જોકે, શ્રીસંતે પોતાની સજા પૂરી કરી લીધી છે અને તેણે કેરળ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ભાગ લીધો છે.
જોકે હવે શ્રીસંતે વર્ષ 2013ના એ સ્પોટ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી વેબ પોર્ટલ સાથે વાત કરતા શ્રીસંતે કહ્યું, "આ પહેલો ઇન્ટરવ્યૂ છે જેમાં હું તેના વિશે કંઇક કહી રહ્યો છું અથવા સમજાવી રહ્યો છું. એક ઓવરમાં 14થી વધુ રનની જરૂર હતી. મેં 4 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. નો બોલ, કોઈ વાઈડ નથી અને ધીમા બોલ પણ નથી. મારા પગ પર 12 સર્જરી પછી પણ, હું 130થી વધુની ઝડપથી બોલિંગ કરતો હતો.
વર્ષ 2013 વિશે વાત કરતાં તેણે કહ્યું, "મેં ઈરાની ટ્રોફીમાં ભાગ લીધો હતો અને હું આફ્રિકા સામેની શ્રેણી માટે તૈયાર થઈ રહ્યો હતો જે સપ્ટેમ્બર 2013 માં યોજાવાની હતી. અમે વહેલા જઈ રહ્યા હતા. મારો ઉદ્દેશ તે શ્રેણીનો ભાગ બનવાનો હતો. આવી વ્યક્તિ 10 લાખ રૂપિયા માટે આવું કંઈ ન કરે. હું મોટી વાત નથી કરતો પણ જ્યારે હું પાર્ટી કરતો હતો ત્યારે મારા બિલ લગભગ 2 લાખ રૂપિયા આવતા હતા.
આગળ વાત કરતા શ્રીસંતે કહ્યું કે મેં ઘણા લોકોને મદદ કરી છે અને તેમની પ્રાર્થનાને કારણે હું ત્યાંથી બહાર નીકળી શક્યો છું.
શ્રીસંત છેલ્લે વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ રમ્યો હતો. તેના નામે 44 મેચમાં 40 વિકેટ છે. 2005માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર શ્રીસંતે 87 ટેસ્ટ અને 75 વન ડે વિકેટ ઝડપી છે. તે 2007માં ટી20 વિશ્વકપ અને 2011માં વન ડે વિશ્વકપ જીતનારી ટીમનો હિસ્સો હતો.