Aus vs SL T20 Series: શ્રીલંકાને ત્રણ ઓવરમાં કરવાના હતા 59 રન... પછી કેપ્ટન શનાકાએ પલટી બાજી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 176 રન બનાવ્યા હતા
નવી દિલ્હીઃ શ્રીલંકાએ શનિવારે શ્રેણીની ત્રીજી અને અંતિમ T20માં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે શ્રીલંકાએ કેપ્ટન દસુન શનાકાના 25 બોલમાં અણનમ 54 રનની મદદથી હાંસલ કર્યો હતો. શનાકાએ પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
ફિન્ચ-વોર્નરે ઓસ્ટ્રેલિયાને ઝડપી શરૂઆત અપાવી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. પરંતુ ફિન્ચ 29 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં મેક્સવેલ પણ 16 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો.
રોમાંચક રહેલી આ મેચમાં એક સમયે એવું લાગતું હતું કે આ મેચ ઓસ્ટ્રેલિયા સરળતાથી જીતી લેશે કારણ કે શ્રીલંકાને છેલ્લી ત્રણ ઓવરમાં મેચ જીતવા માટે 59 રનની જરૂર હતી અને તેની છ વિકેટ પડી ગઇ હતી. પરંતુ કેપ્ટન દસુન શનાકાની આક્રમક ઇનિંગની મદદથી શ્રીલંકાની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. શનાકા 25 બોલમાં 54 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શનાકાએ તેના છેલ્લા 13 બોલમાં 48 રન બનાવ્યા હતા. શનાકાની ચમિકા કરુણારત્ને (અણનમ 14) પણ સારી મદદ કરી હતી. બંનેએ 4.1 ઓવરમાં 69 રનની અણનમ ભાગીદારી કરી હતી.
ઈનિંગની 18મી ઓવર ફાસ્ટ બોલર જોસ હેઝલવુડે ફેંકી હતી, જેમાં શનાકા અને કરુણારત્નેએ મળીને 22 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં શ્રીલંકાને હવે 12 બોલમાં 37 રનની જરૂર હતી. ત્યારબાદ જ્યે રિચર્ડસને 19મી ઓવર ફેંકી જેમાં કુલ 18 રન આવ્યા. છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી.
20મી ઓવર કેન રિચર્ડસને ફેંકી હતી જેના પ્રથમ 2 બોલ વાઈડ હતા, ત્યારબાદ શનાકાએ એક રન લીધો હતો. બીજા બોલ પર કરુણારત્નેએ લેગ બાય કર્યો હતો. ત્યાર બાદ આગામી બે બોલ પર શનાકાએ ચોગ્ગા ફટકાર્યા હતા. શનાકાએ ઓવરના 5માં બોલ પર સિક્સર ફટકારીને સ્કોર બરાબર કર્યો હતો. હવે એક બોલ પર એક રનની જરૂર હતી, પરંતુ રિચર્ડસને વાઈડ બોલ્ડ ફેંક્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 176 રન બનાવ્યા હતા. ઓપનર ડેવિડ વોર્નરે સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, માર્કસ સ્ટોઇનિસે 38 અને સ્ટીવ સ્મિથે અણનમ 37 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મહિષ તિક્ષણાએ બે વિકેટ ઝડપી હતી. ત્રીજી T20 મેચમાં હાર છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ T20 શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી.