Cricket: એશિયા કપ પહેલા ટીમને ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે સન્યાસ લેવાની વાત કહેતા ટીમમાં મચ્યો ખળભળાટ
રેડ બૉલ ક્રિકેટમાં કંઈ ખાસ ના કરી શકનારા વાનિન્દુ હસરંગા હવે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં પોતાની ધાક જમાવવામાં સફળ રહ્યો છે. તે ટી20 ઈન્ટરનેશનલનો નંબર વન બૉલર રહ્યો છે
Sri Lanka, Wanindu Hasaranga: આગામી દિવસોમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ એશિયા કપ 2023ની શરૂઆત થઇ રહી છે, આ પહેલા આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2022માં ચેમ્પિયન બનેલી શ્રીલંકન ટીમ હવે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. હાલમાં જ રિપોર્ટ મળી રહ્યાં છે કે, ટીમના સ્ટાર સ્પીનર અને આક્રમક બેટ્સમેન વાનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મંગળવારે 15 ઓગસ્ટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખુદ એ વાતની પુષ્ટિ કરી હતી કે વાનિન્દુ હસરંગાએ રેડ બૉલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વાનિન્દુ હસરંગા વ્હાઇટ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કરવા માંગે છે.
શ્રીલંકા ક્રિકેટના સીઈઓ એશ્લે ડી સિલ્વાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "અમે તેના નિર્ણયને સ્વીકારીશું અને અમને વિશ્વાસ છે કે હસરંગા આગળ જતા અમારા લિમીટેડ ઓવરોના કાર્યક્રમનો અભિન્ન ભાગ બનશે." 26 વર્ષીય વાનિન્દુ હસરંગાએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં માત્ર ચાર ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને 4 વિકેટો ઝડપી છે. તેને ડિસેમ્બર 2020માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વળી, વાનિન્દુ હસરંગાએ એપ્રિલ 2021માં બાંગ્લાદેશ સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.
વ્હાઇટ બૉલ ક્રિકેટમાં જલવો બિખેરી રહ્યો છે વાનિન્દુ હસરંગા -
રેડ બૉલ ક્રિકેટમાં કંઈ ખાસ ના કરી શકનારા વાનિન્દુ હસરંગા હવે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં પોતાની ધાક જમાવવામાં સફળ રહ્યો છે. તે ટી20 ઈન્ટરનેશનલનો નંબર વન બૉલર રહ્યો છે. હાલમાં તેની ICC ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગ 3જા નંબરની છે. અત્યાર સુધી રમાયેલી 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વાનિન્દુ હસરંગાએ 15.8ની એવરેજથી 91 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. આ દરમિયાન તેને માત્ર 6.89ની ઈકોનોમી સાથે રન આપ્યા છે. તેને સપ્ટેમ્બર 2019માં ન્યૂઝીલેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.
આ ઉપરાંત વાનિન્દુ હસરંગાએ વનડેમાં પણ પોતાની બૉલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. જુલાઈ 2017માં પોતાની વનડે ડેબ્યૂ કરનાર હસરંગાએ અત્યાર સુધી 48 વનડે રમી છે, જેમાં 28.78ની એવરેજથી 67 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેને 5.08ની ઈકોનોમી સાથે રન આપ્યા છે.