World Cup: વનડે વર્લ્ડકપ જીતવા રિટાયર થયેલા આ ખેલાડીને ખુદ બૉર્ડ લાવશે પાછો, આજે કરશે એલાન
આજે (16 ઓગસ્ટ, બુધવાર) ઈંગ્લેન્ડથી બેન સ્ટૉક્સની વનડે વાપસી પર મહોર લાગી શકે છે. બેન સ્ટૉક્સે 2022માં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
England Ben Stokes: ભારતમાં રમાનારા આગામી વનડે વર્લ્ડકપ 2023 પહેલા ઈંગ્લેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સની વાપસીની ચર્ચાએ જોર પકડ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી બેન સ્ટૉક્સના રિટાયરમેન્ટમાંથી પાછા આવવાના સમાચાર ચાલી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન સ્ટૉક્સ વર્લ્ડકપ માટે પોતાની વનડેમાંથી નિવૃત્તિને પાછી ખેંચી શકે છે. જોકે, આ અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ આજે ઈંગ્લેન્ડથી બેન સ્ટૉક્સની વાપસી અંગે સ્પષ્ટતા થઈ જશે.
આજે (16 ઓગસ્ટ, બુધવાર) ઈંગ્લેન્ડથી બેન સ્ટૉક્સની વનડે વાપસી પર મહોર લાગી શકે છે. બેન સ્ટૉક્સે 2022માં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હવે આગામી વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની વાપસીની વાત ચાલી રહી છે. બેન સ્ટૉક્સે 2019 વનડે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બેન સ્ટૉક્સે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 84 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આવામાં બેન સ્ટૉક્સ ફરી એકવાર ઈંગ્લેન્ડ માટે મહત્વનો ભાગ બની શકે છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે બેન સ્ટૉક્સ વનડે ક્રિકેટની નિવૃત્તિ પાછી ખેંચે છે કે નહીં. બેન સ્ટૉક્સે તેની છેલ્લી વનડે જુલાઈ 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
આવી રહી બેન સ્ટૉક્સની આંતરરાષ્ટ્રીય કેરિયર -
બેન સ્ટૉક્સ તેની વનડે નિવૃત્તિ પહેલા ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમતો હતો, તેને અત્યાર સુધીમાં 97 ટેસ્ટ, 105 વનડે અને 43 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સ્ટૉક્સે ટેસ્ટની 175 ઇનિંગ્સમાં 6117 રન બનાવ્યા છે અને બૉલિંગમાં 197 વિકેટો પોતાના નામે કરી છે.
વનડેની 90 ઇનિંગ્સમાં તેને 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કૉર 102* હતો. આ સાથે જ તેને બૉલિંગમાં 74 વિકેટો લીધી છે. આ ઉપરાંત બેન સ્ટૉક્સે ટી20 ઈન્ટરનેશનલમાં 585 રન બનાવ્યા છે અને બૉલિંગ દરમિયાન 26 વિકેટો ઝડપી છે. નોંધપાત્ર વાત એ છે કે બેન સ્ટૉક્સ હાલમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહ્યો છે.
સ્ટોક્સ ઘૂંટણની ઈજાથી પરેશાન
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્ટોક્સને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તે IPL 2023માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી માત્ર 2 જ મેચ રમી શક્યો હતો. જ્યારે એશિઝ 2023ની ચાર ટેસ્ટમાં તેણે 2 મેચમાં તો બોલિંગ જ નહોતી કરી.