Watch: રોહિત શર્મા અને કેએલ રાહુલ વિશે પાક. પત્રકારના સવાલ પર હસી પડ્યો સુર્યકુમાર, વીડિયો વાયરલ
બુધવારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022ની પોતાની બીજી મેચમાં હોંગકોંગને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર 4માં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે.
Asia Cup 2022: બુધવારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022ની પોતાની બીજી મેચમાં હોંગકોંગને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર 4માં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલ સુર્યકુમાર યાદવે મેચ પલટી દીધી હતી. આ મિડલ ઓર્ડર બેટ્સમેને 26 બોલમાં અણનમ 68 રનની આક્રમક ઈનિંગ કરી હતી. સુર્યકુમારે આ ઈનિંગમાં 6 ચોક્કા અને 6 સિક્સર ફટકારી હતી.
'તમે કહી રહ્યા છો કે, કેએલ રાહુલ ભાઈને...'
હવે સુર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની પત્રકારે ભારતીય બેટ્સમેન સુર્યકુમારને પ્રશ્ન કર્યો હતો કે, "તમારા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે આ ટૂર્નામેન્ટમમાં નવા-નવા પ્રયોગ કરતો રહેશે, તો શું આ પ્રયોગ મુજબ કોઈ મેચમાં તમે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરશો?"
પાકિસ્તાની પત્રકારના આ પ્રશ્નના જવાબમાં સુર્યકુમાર યાદવે કહ્યું કે, તો તમે કહી રહ્યા છો કે, કેએલ રાહુલ ભાઈને ના રમાડવા જોઈએ? આ જવાબ આપીને સુર્યકુમાર હસી પડ્યો હતો. પછી આગળ વાત કરતાં તેણે કહ્યું કે, કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ રિકવર થઈ રહ્યો છે. તેમને ફોર્મમાં આવતાં સમય લાગશે. જ્યાં સુધી મારો પ્રશ્ન છે તો, મેં પહેલેથી જ કહ્યું છે કે, હું કોઈ પણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. મેં મારા કેપ્ટન અને કોચને કહી રાખ્યું છે કે, મને કોઈ પણ નંબર પર બેટિંગ કરાવો, બસ મને રમવાનો મોકો આપો.
સૂર્યકુમારે છેલ્લી ઓવરમાં લગાવી 4 સિક્સઃ
ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ સામે ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. સુર્યકુમાર યાદવે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે શાનદાર પાર્ટનરશીપ કરી હતી. બંને બેટ્સમેને છેલ્લી 3 ઓવરમાં 52 રન બનાવ્યા હતા. સુર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી. સુર્યકુમારની આ તોફાની ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ અપાયું હતું. ભારતીય ટીમ આ જીત સાથે એશિયા કપની સુપર 4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.