(Source: ECI/ABP News/ABP Majha)
T-20 World Cup: ઈંગ્લેન્ડને લાગશે તગડો ઝટકો, આ ઘાતક ખેલાડી થઈ શકે છે બહાર
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ યુએઈમાં રમાનારા વર્લ્ડકપમાં પણ સામેલ નહીં થાય, જુલાઈથી જ બેન સ્ટોક્સ માનસિક માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટથી દૂર છે.
T20 World Cup 2021: ઓક્ટોબરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમને તગડો ઝટકો લાગી શકે છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ યુએઈમાં રમાનારા વર્લ્ડકપમાં પણ સામેલ નહીં થાય, જુલાઈથી જ બેન સ્ટોક્સ માનસિક માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટથી દૂર છે અને હાલ તેની ક્રિકેટમાં પરત ફરવાની કોઈ યોજના નથી.
સ્ટોક્સે કહ્યું હતું કે, તે ક્રિકેટથી દૂર થઈ રહ્યો છે અને તેણે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે. સ્ટોક્સ ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો પણ હિસ્સો નહોતો અને 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની બાકીની સીઝનમાં પણ સામેલ નહીં થાય.
ડેઈલી મેઈલમાં છવાયેલા રિપોર્ટ મુજબ, સ્ટોક્સ આગામી મહિને રમાનારા ટી-20 વર્લ્ડકપમાં સામેલ થવા દુબઈ જવા રવાના થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તેના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, હાલ ક્રિકેટ અંગે વિચારતો નથી. બેન સ્ટોક્સ ટી-20 વર્લ્ડકપમાં રમશે કે નહીં તે થોડા જ દિવસોમાં ખબર પડી જશે.
બેન સ્ટોક્સ માટે મુશ્કેલ સમય
ટી-20 વર્લ્ડકપ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર છે. ઈંગ્લેન્ડના પસંદગીકર્તા આવતા સપ્તાહે 15 ખેલાડી અને ત્રણ રિઝર્વ ખેલાડીના નામ જાહેર કરશે. ટીમની જાહેરાત 9 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે.
બેન સ્ટોક્સ પહેલા પણ માનસિક સ્વાસ્થ્યનું કારણ બતાવીને ક્રિકેટથી દૂર રહ્યો છે. ગત એક વર્ષ બેન સ્ટોક્સ માટે ખૂબ મુશ્કેલભર્યુ રહ્યું છે. તેણે ગત વર્ષે પોતાના પિતાને કેન્સરના કારણે ગુમાવ્યા હતા. બેન સ્ટોક્સે પિતાની બીમારીના કારણે ઘણો સમય ક્રિકેટ રમ્યો નહોતો. સ્ટોક્સ ઓસ્ટ્રેલિયા સામે રમનારી એશેઝ સીરિઝનો હિસ્સો હશે કે નહીં તે અંગે પણ કંઈ કહી શકાય તેમ નથી.