T20 World Cup 2024: રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપ બાદ નિવૃત્તિ જાહેર કરશે
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ અંતિમ ટી20 વર્લ્ડકપ હોઈ શકે છે. રોહિત-કોહલી ટી20 ક્રિકેટથી દૂર હતા અને બંને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી20 ઈન્ટરનેશનલથી ટીમમાં પરત ફર્યા હતા.
T20 World Cup 2024: મંગળવારે ટી20 વર્લ્ડકપ માટે ભારતીય જાહેરાત કરવામાં આવી હતી જેમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને વિરાટ કોહલી પણ ટીમનો ભાગ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને સાથે રમવાનો આ અંતિમ મોકો હોઈ શકે છે. આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી રમતા ન જોવા મળે તેવી સંભાવના છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20માંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે. ICC T20 વર્લ્ડ કપ બાદ બંને દિગ્ગજ ખેલાડીઓ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અનુભવી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ અંતિમ ટી20 વર્લ્ડકપ હોઈ શકે છે. આ પહેલા પણ રોહિત-કોહલી ટી20 ક્રિકેટથી દૂર હતા અને બંને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી20 ઈન્ટરનેશનલથી ટીમમાં પરત ફર્યા હતા.
ટી20 ક્રિકેટમાં ભારતના સૌથી મોટા ખેલાડી
રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત માટે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. વિરાટ કોહલી ટી20માં ટીમ માટે સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે. તેણે 117 મેચમાં 109 ઈનિંગમાં 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે. 51.75ની સરેરાશ અને 138થી વજુના સ્ટ્રાઈક રેટથી 4037 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 122 રન છે.
રોહિત શર્માના નામે 5 સદી
રોહિત શર્મા આ ફોર્મેટમાં બીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. તેણે 31ની સરેરાશ અને આશરે 140ના સ્ટ્રાઇક રેટથી 3974 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ સદી ફટકારી છે અને 29 અડધી સદી પણ છે.
આ ખેલાડીઓનો પણ હોઈ શકે છે અંતિમ વર્લ્ડ કપ
ભારતના રોહિત-કોહલી જ નહીં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી, ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન, દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ અને મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર, પાકિસ્તાનો ઈફ્તિખાર અહમદ, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો 37 વર્ષીય કેપ્ટન અસગર અફઘાન પણ નિવૃત્તિ લઈ શકે છે.
T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.