T20 World Cup 2022: આજે પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચે ફાઇનલ, જાણો કોણ કોના પર પડશે ભારે?
આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો
Pak vs Eng Final T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાશે. આ ટાઈટલ મેચમાં પાકિસ્તાનનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. જે પણ ટીમ જીતશે, તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ હશે.
આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો જ્યારે ઇગ્લેન્ડ 2010માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. આ વખતે ઈંગ્લેન્ડને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન પણ નબળી ટીમ નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
T20માં ઇગ્લેન્ડનો રેકોર્ડ છે શાનદાર
T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તે તેની પ્રથમ બે મેચ હારી ગઇ હતી. ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમે જે રીતે પહેલા સેમીફાઈનલ અને હવે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે તેના કારણે ટીમના પ્રયાસોના વખાણ થઈ રહ્યા છે.
આ ખેલાડીઓ છે પાકિસ્તાનની તાકાત
આ સિઝનમાં અત્યાર સુધી 5 ખેલાડીઓ પાકિસ્તાનની તાકાત બનીને ઉભરી આવ્યા છે. મોહમ્મદ રિઝવાન સિવાય શાન મસૂદ, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ અને શાહીન શાહ આફ્રિદી છે. શાદાબ અને શાહીન અત્યાર સુધીમાં 10-10 વિકેટ લઈ ચૂક્યા છે. જ્યારે રિઝવાન, મસૂદ અને ઈફ્તિખારે બેટિંગમાં મોરચો સંભાળ્યો છે.
ઇંગ્લેન્ડની ટીમમાં પણ આવું જ છે. તેણે પોતાના ગ્રુપ-1માં અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ પણ ચોક્કસપણે જીતી હતી. પરંતુ તે પછી આયરલેન્ડ જેવી નબળી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, મેચમાં વરસાદ પડતા મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આ એક મેચ બાદ ઈંગ્લેન્ડને એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી. તેણે ન્યુઝીલેન્ડ, ભારત અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી છે. આવી સ્થિતિમાં આ વખતે ઈંગ્લિશ ટીમ થોડી મજબૂત દેખાઈ રહી છે.
બટલર અને હેલ્સે ઈંગ્લેન્ડને મજબૂત શરૂઆત અપાવી હતી
આ વખતે ઈંગ્લેન્ડની ટીમ માટે કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સ હીરો બનીને ઉભર્યા છે. બંનેએ ઓપનિંગમાં જબરદસ્ત શરૂઆત આપી છે. ટીમનો મિડલ ઓર્ડર થોડો નબળો લાગે છે, પરંતુ તેમાં લિયામ લિવિંગસ્ટોન અને બેન સ્ટોક્સ જેવા મહાન ખેલાડીઓ પણ છે. સેમ કરને બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમને મજબૂતી આપી છે. તેણે સૌથી વધુ 10 વિકેટ પણ લીધી છે. ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન અને સ્પિનર આદિલ રાશિદે પણ સારી બોલિંગ કરી છે.