T20 વર્લ્ડ કપ 2026 પર સંકટના વાદળ: ભારતમાં નહીં જોવા મળે લાઈવ પ્રસારણ? JioStar એ લીધો મોટો નિર્ણય
T20 World Cup India telecast: વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા જ પ્રસારણને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે.

T20 World Cup India telecast: ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા અને માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં રમતગમતના પ્રસારણ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દેશના અગ્રણી ડિજિટલ બ્રોડકાસ્ટર JioStar એ આવતા વર્ષે યોજાનારા ICC T20 વર્લ્ડ કપના લાઈવ પ્રસારણમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જંગી આર્થિક નુકસાનને ટાંકીને આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટના પ્રસારણ હકો છોડી દીધા છે. આ નિર્ણયને કારણે ભારતીય ચાહકો વર્લ્ડ કપ જોવાથી વંચિત રહી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે અન્ય કોઈ કંપની પણ આ હકો ખરીદવા તૈયાર જણાતી નથી.
આર્થિક બોજને કારણે JioStar ની પીછેહઠ
વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા જ પ્રસારણને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. 'ઇકોનોમિક ટાઇમ્સ' (ET) ના અહેવાલ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિયંત્રણ હેઠળની કંપની JioStar એ આ મેગા ઇવેન્ટના લાઈવ પ્રસારણમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. કંપનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે કે તેઓ ભારે નાણાકીય નુકસાનનો સામનો કરી રહ્યા હોવાથી, તેમના 4 વર્ષના મીડિયા રાઇટ્સ ડીલના બાકી રહેલા 2 વર્ષ માટે સેવાઓ ચાલુ રાખી શકશે નહીં.
ICC ની મુશ્કેલી વધી: સોની, નેટફ્લિક્સ અને એમેઝોનનો પણ નનૈયો
JioStar ના આ આકસ્મિક નિર્ણયથી માત્ર ભારતીય ચાહકો જ નહીં, પરંતુ ICC પણ ચિંતામાં મુકાઈ ગયું છે. JioStar એ 2027 સુધી ચાલનારા કરારને અધવચ્ચે અટકાવી દીધો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ICC એ ભારતમાં પ્રસારણ માટે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI), નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવી દિગ્ગજ કંપનીઓનો સંપર્ક કર્યો હતો. જોકે, આ મીડિયા રાઇટ્સની કિંમત ખૂબ ઊંચી હોવાથી અને નફાકારકતાના પ્રશ્નોને કારણે અન્ય કોઈપણ કંપનીએ હજુ સુધી T20 વર્લ્ડ કપના લાઈવ પ્રસારણમાં ખાસ રસ દાખવ્યો નથી, જેના કારણે ICC માટે નવો બ્રોડકાસ્ટર શોધવો લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
કરોડો રૂપિયાનું નુકસાન અને વાસ્તવિક આંકડા
આ સમગ્ર મામલાના મૂળમાં જંગી આર્થિક ખોટ રહેલી છે. રેગ્યુલેટરી ફાઇલિંગના ડેટા પર નજર કરીએ તો, Viacom18 સાથે મર્જર થયા પહેલાં, સ્ટાર ઇન્ડિયાને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં અંદાજે 12,548 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું હતું. આ નુકસાનમાં મુખ્યત્વે ICC મીડિયા રાઇટ્સ ડીલ સંબંધિત જટિલ કરારો માટે કરવામાં આવેલી 12,319 કરોડ રૂપિયાની જોગવાઈ જવાબદાર હતી. નોંધનીય છે કે ICC ની કુલ આવકમાં ભારતનો હિસ્સો લગભગ 80% જેટલો તોતિંગ છે.
શું ભારતમાં વર્લ્ડ કપનું બ્લેકઆઉટ થશે?
આ પ્રવર્તમાન કટોકટી વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય દર્શકો વર્લ્ડ કપ જોઈ શકશે? જો ICC સમયસર નવો બ્રોડકાસ્ટર શોધવામાં નિષ્ફળ જશે, તો ભારતમાં T20 વર્લ્ડ કપ 2026 નું લાઈવ પ્રસારણ ખોરવાઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે કરોડો ક્રિકેટ પ્રેમીઓ ટીવી કે મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા મેચોનો આનંદ માણવાથી વંચિત રહી શકે છે.




















