બાંગ્લાદેશના આ દિગ્ગજ ઓપનરે ટી-20 ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
તમીમ ઈકબાલે વર્ષ 2007માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું,
બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તમીમ ઈકબાલે ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી વન-ડે સીરિઝ જીત્યા બાદ તરત જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશે છેલ્લી વન-ડે મેચ ચાર વિકેટથી જીતીને વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો હતો, જેમાં તમિમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
મેચ બાદ તમીમ ઈકબાલે તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર બાંગ્લા ભાષામાં એક નાનો સંદેશ પોસ્ટ કર્યો હતો કે, "મને આજથી T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત સમજવામાં આવે. આપ સૌનો આભાર." આ સાથે તે ટી20 ક્રિકેટ રમશે કે નહીં તે છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી અટકળોનો અંત લાવે છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં આ ફોર્મેટમાંથી બ્રેક લીધો હતો અને હવે તે આ ફોર્મેટમાં નહીં રમે. તેણે તે સમયે કહ્યું હતું કે તે T20Iમાંથી છ મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે.
આ વર્ષે 27 જાન્યુઆરીએ તમીમ ઈકબાલે કહ્યું, મારું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ અને ODI પર રહેશે. અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની તૈયારી કરી રહ્યા છીએ. હું આગામી છ મહિનામાં T20 ઈન્ટરનેશનલ વિશે વિચારી રહ્યો નથી. મને આશા છે કે ખેલાડીઓ એટલો સારો દેખાવ કરશે કે ટી-20માં ટીમને મારી જરૂર નહીં પડે, પરંતુ જો ભગવાન ના કરે પણ જો ટીમને અથવા ક્રિકેટ બોર્ડને મારી જરૂર પડશે તો હું તેના વિશે વિચારીશ.
તમીમ ઈકબાલે વર્ષ 2007માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, તેણે માર્ચ 2020માં છેલ્લી T20 મેચ રમી હતી. તેણે આ 78 ટી-20 મેચોમાં કુલ 1758 રન બનાવ્યા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 103 રન હતો. તેણે 24થી વધુની સરેરાશ અને 117થી વધુની સ્ટ્રાઈકરેટ સાથે 7 અડધી સદી અને એક સદી ફટકારી છે.