IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત! ગિલનું પત્તું કપાયું, જાણો T20 સ્ક્વોડ
Team India T20 squad: 21 જાન્યુઆરીથી શરૂ થશે મહામુકાબલો: T20 વર્લ્ડ કપ 2026 માટે પણ આ જ ટીમ ફાઈનલ, અક્ષર પટેલ બન્યો ઉપ-કપ્તાન.

Team India T20 squad: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે. બીસીસીઆઈ (The Board of Control for Cricket in India - BCCI) એ આવતા મહિને રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની હાઈ-વોલ્ટેજ ટી-20 શ્રેણી (T20 Series) માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) અને ફિનિશર રિંકુ સિંહ (Rinku Singh) ની ટીમમાં ધમાકેદાર વાપસી થઈ છે. જ્યારે સ્ટાર ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
નવા વર્ષની શરૂઆતમાં જ ક્રિકેટના મેદાન પર રસાકસી જામવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ (New Zealand) વચ્ચે 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન 5 મેચોની T20 શ્રેણી રમાશે. આ શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમ માત્ર આ સીરીઝ પૂરતી સીમિત નથી, પરંતુ મહત્વની વાત એ છે કે આ જ 15 ખેલાડીઓની ટીમ આગામી ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે ગિલને વર્લ્ડ કપની સ્ક્વોડમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે.
ઈશાન અને રિંકુની એન્ટ્રી, કોણ થયું આઉટ?
ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવનાર ઈશાન કિશનને મોટી ભેટ મળી છે. તેણે તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડને ચેમ્પિયન બનાવતા 500થી વધુ રન ફટકાર્યા હતા. તેના શાનદાર ફોર્મને કારણે જીતેશ શર્મા (Jitesh Sharma) ને ડ્રોપ કરીને ઈશાનને તક અપાઈ છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ મિસ કરનાર રિંકુ સિંહ પણ ટીમમાં પાછો ફર્યો છે.
ટીમનું સંતુલન અને કેપ્ટન્સી
આગામી વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં યોજાવાનો હોવાથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરાઈ છે. સુકાની પદ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) સંભાળશે, જ્યારે અક્ષર પટેલ (Axar Patel) ને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં 4 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન, 2 વિકેટકીપર, સ્પિન અને પેસ ઓલરાઉન્ડર્સ તથા બોલરોનું મિશ્રણ છે.
ન્યૂઝીલેન્ડ સીરીઝ અને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ (Team India Squad): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (Sanju Samson) (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (Hardik Pandya), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.




















