Team India Head Coach: ભારતીય ટીમને બે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી બન્યો ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, જય શાહે કરી જાહેરાત
Head Coach: ગંભીર જુલાઇના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં નવા કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે.
Gautam Gambhir Head Coach: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં 25માં હેડ કોચ બનવા જઈ રહ્યો છે. રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ગંભીર જુલાઇના અંતમાં શ્રીલંકા સામે શરૂ થનારી શ્રેણીમાં નવા કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાશે. હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર વચગાળાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.
X દ્વારા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત કરતા, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું - મને એ જાહેરાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ હશે. આધુનિક ક્રિકેટમાં ખૂબ જ ઝડપથી સુધારો થયો છે અને ગૌતમ ગંભીરે આ પરિવર્તનને ખૂબ નજીકથી અનુભવ્યું છે. કારકિર્દીમાં તેને જે પણ જવાબદારી મળી છે, તે તેમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. મને વિશ્વાસ છે કે ગૌતમ ગંભીર એ વ્યક્તિ છે જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જશે. ટીમ ઈન્ડિયા માટે તેનું વિઝન સ્પષ્ટ છે અને તેની સાથેનો તેનો અનુભવ તેને કોચ પદ માટે આદર્શ વ્યક્તિ બનાવે છે. બીસીસીઆઈ ગંભીરને તેની નવી સફરમાં સંપૂર્ણ સહયોગ આપશે.
After being appointed as the Head Coach of Indian Cricket Team, Gautam Gambhir tweets, "India is my identity and serving my country has been the greatest privilege of my life. I’m honoured to be back, albeit wearing a different hat. But my goal is the same as it has always been,… https://t.co/uSA8flm2de pic.twitter.com/rLhfMClYMx
— ANI (@ANI) July 9, 2024
કાર્યકાળ કેટલો સમય રહેશે?
T20 વર્લ્ડ કપ 2024 પૂરા થયા બાદ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડી દીધી છે. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાની પ્રથમ શ્રેણી 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થશે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચ રમાશે. ગંભીરનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન ઘણી ICC ટૂર્નામેન્ટ્સ પણ યોજાવાની છે. ગંભીર સામે પહેલો પડકાર પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો હશે, ત્યાર બાદ ભારતને પણ 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની મોટી આશા છે.
2026 T20 વર્લ્ડ કપ અને 2027 ODI વર્લ્ડ કપ ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમની છેલ્લી ICC ટૂર્નામેન્ટ હશે. જો રિપોર્ટ્સનું માનીએ તો ગૌતમ ગંભીર કોચ બનતાની સાથે જ ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. એવા અહેવાલો પણ હતા કે તે મર્યાદિત ઓવરો અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ ખેલાડીઓને કેપ્ટનશિપ આપી શકે છે.
ગૌતમ ગંભીર ક્રિકેટ કેરિયર -
ગૌતમ ગંભીરે પોતાની ક્રિકેટ કેરિયરમાં 58 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 42ની એવરેજથી 4154 રન બનાવ્યા છે, જયારે વનડેમાં તેને 139 મેચો રમી છે, અને 39ની એવરેજથી 5052 રન બનાવ્યા છે. ટી20 કેરિયરની વાત કરીએ તો ગૌતમ ગંભીરે 36 ટી20 મેચો રમી છે અને 27ની એવરેજથી 932 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરની ક્રિકેટર કેરિયર એકદમ શાનદાર રહી છે. તેણે 2007ના ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં અને 2011 વન ડે વર્લ્ડકપની ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમી હતી.