Google Year in Search 2025: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ભારતમાં તોડ્યા રેકોર્ડ, તો પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટર અભિષેક શર્માનો દબદબો; જુઓ ટોપ લિસ્ટ
Top Google searches 2025: વર્ષ 2025 માં ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની રહી. માત્ર 14 વર્ષની નાની ઉંમરે IPL માં એન્ટ્રી કરીને તેણે સૌને ચોંકાવી દીધા હતા.

Top Google searches 2025: ગૂગલે વર્ષ 2025 માટેનું સર્ચ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ક્રિકેટ જગતના કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભારતમાં ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશી ગૂગલ સર્ચમાં ટોપ પર રહ્યો છે. પરંતુ સૌથી મોટી નવાઈની વાત એ છે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં ત્યાંના સ્થાનિક ખેલાડીઓને પછાડીને ભારતીય સ્ટાર અભિષેક શર્મા સર્ચમાં નંબર-1 બન્યો છે. મેદાન પરના પ્રદર્શન અને વિવાદોને કારણે આ ખેલાડીઓએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
ભારતમાં 'વૈભવ સૂર્યવંશી' ના નામની ગૂંજ
વર્ષ 2025 માં ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની રહી. માત્ર 14 વર્ષની નાની ઉંમરે IPL માં એન્ટ્રી કરીને તેણે સૌને ચોંકાવી દીધા હતા. તેની ઉંમર અને પ્રતિભા વિશે જાણવા માટે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું. આ ટુર્નામેન્ટમાં તેણે ભારત માટે IPL સદી ફટકારનાર સૌથી ઝડપી અને યુવા બેટ્સમેન બનીને ઈતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત, અંડર-19 ક્રિકેટમાં તેણે તોડેલા રેકોર્ડ્સને કારણે તે આખા વર્ષ દરમિયાન લાઈમલાઈટમાં રહ્યો અને ભારતમાં 'મોસ્ટ સર્ચ્ડ પ્લેયર' બન્યો.
પાકિસ્તાનમાં કેમ ટ્રેન્ડ થયો અભિષેક શર્મા?
પાકિસ્તાનના ગૂગલ સર્ચ લિસ્ટમાં ભારતીય ખેલાડી અભિષેક શર્માનું નામ ટોચ પર છે. આ પાછળનું મુખ્ય કારણ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી 4 આંતરરાષ્ટ્રીય મેચો છે (1 ચેમ્પિયન્સ ટ્રોફીમાં અને 3 એશિયા કપમાં). એશિયા કપમાં અભિષેકે પાકિસ્તાન સામે 3 મેચમાં કુલ 110 રન ફટકાર્યા હતા. ખાસ કરીને સુપર-4 રાઉન્ડમાં તેણે રમેલી 74 રનની તોફાની ઇનિંગ અને મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીને કારણે પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે તેને ગૂગલ પર ખૂબ સર્ચ કર્યો હતો.
ભારતમાં ટોપ ટ્રેન્ડિંગ ખેલાડીઓ: પ્રિયાંશ અને જેમીમા પણ લિસ્ટમાં
ભારતીય લિસ્ટમાં વૈભવ સૂર્યવંશી બાદ બીજા નંબરે પ્રિયાંશ આર્ય રહ્યો. પંજાબ કિંગ્સ તરફથી રમતા પ્રિયાંશે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે માત્ર 42 બોલમાં 103 રન ફટકારીને સનસનાટી મચાવી હતી. અભિષેક શર્મા ભારતમાં ત્રીજા ક્રમે રહ્યો. જ્યારે ચોથા ક્રમે શૈક રશીદ અને પાંચમા ક્રમે ભારતીય મહિલા ક્રિકેટર જેમીમા રોડ્રિગ્ઝ રહી. જેમીમાએ મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025 ની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 127 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમીને દેશનું દિલ જીતી લીધું હતું.
ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ખેલાડીઓ (2025):
- વૈભવ સૂર્યવંશી
- પ્રિયાંશ આર્ય
- અભિષેક શર્મા
- શૈક રશીદ
- જેમીમા રોડ્રિગ્ઝ
- આયુષ મ્હાત્રે
- સ્મૃતિ મંધાના
- કરુણ નાયર
- ઉર્વિલ પટેલ
- વિગ્નેશ પુથુર
પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ખેલાડીઓ (2025):
- અભિષેક શર્મા (ભારતીય)
- હસન નવાઝ
- ઇરફાન ખાન નિયાઝી
- સાહિબઝાદા ફરહાન
- મુહમ્મદ અબ્બાસ
ગ્લોબલ સ્પોર્ટ્સ ટીમ અને ઇવેન્ટ્સ
ગૂગલના વૈશ્વિક ટ્રેન્ડમાં ફૂટબોલ ક્લબ PSG મોખરે રહી. જ્યારે IPL ટીમોનો પણ દબદબો જોવા મળ્યો. પંજાબ કિંગ્સ (જે આ વર્ષે ફાઇનલમાં પહોંચી હતી) ચોથા ક્રમે અને દિલ્હી કેપિટલ્સ પાંચમા ક્રમે રહી હતી. રમતગમતની ઇવેન્ટ્સમાં 'ફિફા ક્લબ વર્લ્ડ કપ' સર્ચમાં ટોપ પર રહ્યો, ત્યારબાદ એશિયા કપ બીજા અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ત્રીજા સ્થાને રહી હતી.




















