Under-19 Asia Cup: અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા, જાણો મેચના અપડેટ્સ
Under-19 Asia Cup: શ્રીલંકાએ 2025 મેન્સ અંડર-19 એશિયા કપની સાતમી મેચમાં અફઘાનિસ્તાન સામે 2 વિકેટથી જીત મેળવી હતી.

Under-19 Asia Cup: શ્રીલંકાએ 2025 મેન્સ અંડર-19 એશિયા કપની સાતમી મેચમાં અફઘાનિસ્તાન સામે 2 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે શ્રીલંકાએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની બંને શરૂઆતની મેચ જીતી હતી. બાંગ્લાદેશ તેમની સાથે ગ્રુપ B માં આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થયું, જ્યારે અફઘાનિસ્તાન અને નેપાળ ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા હતા.
ગ્રુપ A માં ભારતીય ટીમ પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે જ્યારે પાકિસ્તાન અને UAE પાસે ફાઇનલમાં સ્થાન મેળવવાની તક છે. સોમવારે ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી 49.5 ઓવરમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ખાલિદ અહમદઝાઈ (6) ના રૂપમાં ટીમને માત્ર 9 રનમાં મોટો ફટકો પડ્યો હતો. ત્યાંથી ફૈઝલે ટીમને સ્થિર કરી હતી. ઉસ્માન શાદત સાથે બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. ફૈઝલ 39 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારબાદ ઉઝૈરુલ્લાહ નિયાઝી અને કેપ્ટન મહેબૂબ ખાને 25-25 રન બનાવ્યા, જ્યારે નુરિસ્તાની ઉમરઝાઈએ 29 રનનું યોગદાન આપ્યું હતું. 31 રન કરીને અઝીઝુલ્લાહ મિયાખિલ આઉટ થયો હતો. સેઠમિકા સેનેવિરત્ને અને દુલનિથ સિગેરાએ 3-3 વિકેટ લીધી, જ્યારે રસિત નિમસરા અને ચમિકા હીનાતિગલાએ 2-2 વિકેટ લીધી હતી.
જવાબમાં શ્રીલંકાએ 49.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનિંગ જોડીએ ટીમને મજબૂત શરૂઆત અપાવી. સામન્થા મહાવિતાન અને વિરન ચામુદિથાએ 9.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરન 83 બોલમાં 62 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ ચમિકા હીનાતિગલાએ 57 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી નુરિસ્તાની ઉમરઝાઈએ 3 જ્યારે વહીદુલ્લાહ ઝાદરાન, સલામ ખાન અહમદઝઈ, રૂહુલ્લાહ આરબ અને ઉઝૈરુલ્લા નિયાઝાઈએ 1-1 વિકેટ લીધી હતી.
વૈભવ સૂર્યવંશી પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોની લાઈનલેન્થ વીખી નાખે છે. હવે ફરી એકવાર, તેણે પોતાના બેટથી તબાહી મચાવી છે અને UAE ટીમ તેનો શિકાર બની. અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં ભારતનો UAE સામે મુકાબલો થયો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી, અને સૂર્યવંશીએ પોતાનો અસલી રંગ બતાવ્યો, ફક્ત ચોગ્ગા અને છગ્ગામાં જ વાત કરી.
કેપ્ટન આયુષ મહાત્રે ત્રીજી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો. તેણે 11 બોલમાં માત્ર ચાર રન બનાવ્યા. આ પછી, વૈભવે જવાબદારી સંભાળી અને વિસ્ફોટક બેટિંગ કરી. વૈભવે શરૂઆતમાં થોડો સમય લીધો, પરંતુ એકવાર તેણે ટીમને પાછી પાટા પર લાવી અને વિસ્ફોટક બેટિંગ કરી.




















