14 વર્ષના ભારતીય ક્રિકેટરે AB de Villiers નો રેકોર્ડ તોડ્યો: 54 બોલમાં 150 રન ફટકારી રચ્યો ઈતિહાસ
AB de Villiers record broken માત્ર 54 બોલમાં 150 રન પૂરા કરી ABD ને પાછળ છોડ્યો. લિસ્ટ-A કરિયરનો સર્વોચ્ચ સ્કોર અને પ્રથમ સદી.

AB de Villiers record broken: વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત એક ઐતિહાસિક ધડાકા સાથે થઈ છે. બિહારના 14 વર્ષીય ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિશ્વ ક્રિકેટમાં ડંકો વગાડી દીધો છે. તેણે સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સનો 10 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
ભારતીય ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીની (Vijay Hazare Trophy 2025) આજથી એટલે કે 24 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂઆત થઈ છે. રાંચીના જેએસસીએ (Jharkhand State Cricket Association - JSCA) ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેચ યાદગાર બની ગઈ છે. આ મેચમાં બિહારના ઉપ-કપ્તાન અને માત્ર 14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની લિસ્ટ-A કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેણે એટલી આક્રમક બેટિંગ કરી કે 10 વર્ષ જૂના આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પણ ધ્વસ્ત થઈ ગયા.
ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને 226 નો સ્ટ્રાઈક રેટ
મેદાન પર ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરોને શ્વાસ લેવાનો પણ મોકો આપ્યો ન હતો. તેણે માત્ર 84 બોલનો સામનો કરીને 190 રનનો વિશાળ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ તોફાની ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 226 થી પણ વધુ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિજય હજારે ટ્રોફી અને લિસ્ટ-A ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે, જે સીધી ડબલ સેન્ચુરીની નજીક પહોંચી હતી. અગાઉ આ ફોર્મેટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 71 રન હતો.
'મિસ્ટર 360' એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તૂટ્યો
આ ઈનિંગની સૌથી મોટી સિદ્ધિ એ રહી કે વૈભવે ક્રિકેટના લેજન્ડ એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો. 50 ઓવરના ફોર્મેટમાં (વનડે અને લિસ્ટ-A) સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી ડી વિલિયર્સના નામે હતો. ડી વિલિયર્સે 2015 ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 64 બોલમાં 150 રન બનાવ્યા હતા. પરંતુ 10 વર્ષ બાદ, 2025 માં વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવે માત્ર 54 બોલમાં 150 રન પૂરા કરીને ઈતિહાસ રચી દીધો છે. આમ, તેણે ડી વિલિયર્સ કરતા 10 બોલ ઓછા રમીને આ મહાન સિદ્ધિ મેળવી છે.



















