CWC 2023 : જન્મદિવસ પર સદી ફટકારનારો 7મો બેટ્સમેન બન્યો કોહલી, આ દિગ્ગજોની યાદીમાં સામેલ
વર્લ્ડ કપ 2023ની 37મી મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે.
વર્લ્ડ કપ 2023ની 37મી મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 326 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. પોતાના 35માં જન્મદિવસ પર મેચ રમી રહેલા વિરાટ કોહલીએ આજે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેણે 121 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા.
જન્મદિવસ પર સદી ફટકારનાર ભારતનો ત્રીજો બેટ્સમેન
વિરાટ કોહલી આજે તેના જન્મદિવસ પર આફ્રિકન ટીમ સામે સદી ફટકારીને સચિન તેંડુલકરની ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. હકીકતમાં, વિરાટ કોહલી ક્રિકેટ ઈતિહાસનો સાતમો બેટ્સમેન છે અને તેના જન્મદિવસ પર સદી ફટકારનાર ભારતનો ત્રીજો બેટ્સમેન છે. તેના પહેલા વિનોદ કાંબલીએ વર્ષ 1993માં શ્રીલંકા સામે પ્રથમ સદી ફટકારી હતી. કાંબલી પછી સચિન તેંડુલકરે 1998માં પોતાના જન્મદિવસે ઓસ્ટ્રેલિયા સામે 134 રનની સદી ફટકારી હતી.
આ યાદીમાં વિરાટ કોહલીનું નામ સામેલ
સચિન સિવાય સનથ જયસૂર્યાએ વર્ષ 2008માં તેના જન્મદિવસે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે પણ 2011માં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ યાદીમાં ટોમ લાથમનું નામ પાંચમા નંબર પર છે. તેણે 2022માં નેધરલેન્ડ સામે 140 રનની ઇનિંગ રમી હતી. છઠ્ઠા સ્થાન પર મિશેલ માર્શ છે જેણે 2023માં પાકિસ્તાન સામે 121 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેન બાદ હવે આ યાદીમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પણ જોડાઈ ગયું છે.
આ રેકોર્ડ સિવાય વિરાટ કોહલી વિશ્વ ઈતિહાસનો ત્રીજો એવો બેટ્સમેન બની ગયો છે. જેણે પોતાના જન્મદિવસ પર સદી ફટકારી છે. તેના પહેલા રોસ ટેલરે 2011 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મિચેલ માર્શે 2023 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ સાથે જ વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર બીજા સ્થાને હતો, પરંતુ હવે વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ 8 મેચમાં 108.60ની શાનદાર એવરેજથી 543 રન બનાવ્યા છે. જ્યારે રચિન રવિન્દ્રએ 8 મેચમાં 74.71ની એવરેજથી 523 રન બનાવ્યા છે.