Virender Sehwag: 'કોચે કોલર પકડી લીધો, ધક્કો પણ માર્યો હતો', વિરેન્દ્ર સહેવાગે કર્યો ચોંકાવનારો ખુલાસો
ભારતીય ટીમે 2001માં ઓસ્ટ્રેલિયા સામે કોલકાતા ટેસ્ટ અને ઈંગ્લેન્ડમાં નેટવેસ્ટ ટ્રોફી સહિત અનેક યાદગાર જીત હાંસલ કરી હતી
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જ્હોન રાઈટે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સૌરવ ગાંગુલી જેવા શ્રેષ્ઠ કેપ્ટન સાથે કામ કરીને તેમણે ભારતીય ટીમનો ચહેરો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્હોન રાઈટ વર્ષ 2000માં ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ વિદેશી કોચ બન્યા હતા.
જ્હોન રાઈટના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે 2001માં ઓસ્ટ્રેલિયા સામે કોલકાતા ટેસ્ટ અને ઈંગ્લેન્ડમાં નેટવેસ્ટ ટ્રોફી સહિત અનેક યાદગાર જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ 2003 વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ તેની સાથે જોડાયેલા ઘણા વિવાદો પણ સામે આવ્યા છે. પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ સાથે પણ તેમની ઝપાઝપી થઈ હતી.
ભારતીય કોચે સહેવાગનો કોલર પકડી લીધો હતો
આ વાતનો ખુલાસો સહેવાગે પોતે કર્યો છે. તેમણે કોંગ્રેસ નેતા શશિ થરૂરના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પોતાની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલ એક કિસ્સો સંભળાવ્યો હતો. દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં સહેવાગે કહ્યું હતું કે વર્ષ 2000 દરમિયાન જ્યારે જ્હોન રાઈટ ટીમ ઈન્ડિયાના કોચ હતા ત્યારે તેમની સાથે વિવાદ થયો હતો. સહેવાગે કહ્યું હતું કે ' નેટવેસ્ટ સીરિઝ દરમિયાન તેની કોચ સાથે ઝપાઝપી થઈ હતી. જ્હોન રાઇટે મારો કોલર પકડીને મને ધક્કો માર્યો હતો.
વધુમાં સહેવાગે કહ્યુ હતું કે 'પછી હું રાજીવ શુક્લા (ટીમ મેનેજર) પાસે ગયો અને તેમને કહ્યું કે આ ગોરો માણસ આવું કેવી રીતે કરી શકે છે. તેમણે આ વાત સૌરવ ગાંગુલી (કેપ્ટન)ને જણાવી અને કહ્યું કે આવું થયું છે. પછી મેં કહ્યું કે જ્યાં સુધી જ્હોન રાઈટ માફી નહીં માંગે ત્યાં સુધી કોઈ સમાધાન થશે નહીં. પછી તે મારા રૂમમાં આવ્યા અને માફી પણ માંગી હતી.
વીરુએ આ મામલે આગળ કહ્યું હતું કે પછી સચિન તેંડુલકરે કહ્યું કે સહેવાગ-જ્હોન રાઈટની આ વાતને ભૂતકાળમાં છોડી દેવી જોઈએ. તેને બહાર લાવવી જોઈએ નહીં. ત્યાર બાદ મામલો દબાઇ ગયો હતો.
ભારતીય ટીમમાં ચિઠ્ઠીવાળી પ્રથા હતી
સહેવાગે કહ્યું હતું કે ટીમમાં કોણ ઓપનિંગ કરશે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીની સિસ્ટમ હતી. જેના નામને વધુ વોટ મળતા તે જોડી રમતી હતી. સહેવાગે કહ્યું હતું કે કેવી રીતે સૌરવ ગાંગુલીને 2003 વર્લ્ડ કપ દરમિયાન ઓપનર તરીકે બહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, 'ટીમમાં ચિઠ્ઠી સિસ્ટમ હતી. તમામ ખેલાડીઓને પૂછવામાં આવ્યું કે કોણ ઓપનિંગ કરશે? 14 ખેલાડીઓએ લખ્યું હતું કે સચિન-સહેવાગે ઓપનિંગ કરવું જોઈએ. જ્યારે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સચિન-ગાંગુલી ઓપનિંગ કરશે. તે સૌરવ ગાંગુલી દ્વારા લખવામાં આવી હતી
2003ના વર્લ્ડકપને યાદ કરતા સહેવાગે કહ્યું કે, 'કોઈને આશા નહોતી કે અમે 2003નો વર્લ્ડ કપ જીતીશું. 2003 પછી ટીમે નિર્ભય નિર્ણયો લેવાનું શરૂ કર્યું. નોંધનીય છે કે ભારતીય ટીમ 2003 વર્લ્ડકપની ફાઈનલ રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.