India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
Champions Trophy 2025: કરોડો ચાહકો મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પહેલી સેમિફાઇનલની રાહ જોઇ રહ્યા છે

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) માં ન્યૂઝીલેન્ડ સામેની જીત અને વરુણ ચક્રવર્તીનું જાદુઈ પ્રદર્શન હવે ઇતિહાસ બની ગયું છે. હવે કરોડો ચાહકો મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પહેલી સેમિફાઇનલની રાહ જોઇ રહ્યા છે. કરોડો ચાહકો એ વાત પણ કરી રહ્યા છે કે જો સેમિફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે. ચાલો તેનો જવાબ જાણીએ.
ઓસ્ટ્રેલિયા સાથેની સેમિફાઇનલ મેચ દુબઈમાં રમાશે. અને મંગળવારે વરસાદની લગભગ કોઈ શક્યતા નથી. જો વરસાદ પડે તો મેચ તે જ દિવસે પૂર્ણ કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. પરંતુ જો વરસાદ પછી મેચ શક્ય ન બને તો રિઝર્વ ડે પણ મેચ પૂર્ણ કરવામાં આવશે અને જો રિઝર્વ ડે પર પણ મેચ વરસાદના કારણે પૂર્ણ ન થાય તો ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનારી ટીમ ફાઇનલમાં પહોંચશે.
નોકઆઉટ મેચો વિશે મહત્વની વાત એ છે કે...
તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નોકઆઉટ મેચો એટલે કે સેમિફાઇનલ અને ફાઇનલમાં ડકવર્થ લુઇસ મેચ દ્વારા પરિણામ નક્કી કરવા માટે બીજી ઇનિંગમાં ઓછામાં ઓછી 25 ઓવર બેટિંગ કરવી પડશે. લાહોરમાં રમાનારી બીજી સેમિફાઇનલ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે. બુધવારે લાહોરમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે.
જો વરસાદને કારણે બંને સેમિફાઇનલ ધોવાઈ જાય તો...
જો બંને સેમિફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો ફાઇનલમાં પહોંચશે. અને જો ફાઇનલ પણ વરસાદને કારણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે, અત્યાર સુધીની ટુર્નામેન્ટની 8 સીઝનમાં એવું ફક્ત એક જ વાર બન્યું છે જ્યારે 2002માં ફાઇનલ મેચ ધોવાઈ જવાથી ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ચાર સ્પિનરો સાથે ઉતરશે ભારત?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ચાર સ્પિનરો ઉતારશે કે નહીં તે અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે વરુણ ચક્રવર્તીના પ્રભાવશાળી પ્રદર્શન પછી તેમણે કહ્યું કે તે એક આકર્ષક વિકલ્પ જેવું લાગે છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. ચારેય ખેલાડીઓએ મળીને નવ વિકેટ લીધી અને ભારત 44 રનથી જીતી ગયું હતું.




















