Issy Wong Hattrick: મુંબઈ ઈન્ડિયન્સની ખેલાડીએ WPLની પ્રથમ હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી.
Issy Wong Hattrick Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈના બોલર ઈસી વોંગે સતત ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યૂપીની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યૂપીને 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા યૂપી તરફથી કિરણ નવગીરે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવી હતી આ દરમિયાન તેણે 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ આ પછી તે વોંગના બોલ પર કેચ થઈ ગઈ. વોંગ ઇનિંગ્સની 13મી ઓવર કરી રહી હતી. આ પછી તેણે સિમરન શેખને આઉટ કરી. સિમરન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ. આ પછી તરત જ સોફી એક્લેસ્ટોન પણ આઉટ કરી તે પણ ખાતું પણ ખોલાવી શકી ન હતી.
વોંગે મેચમાં મુંબઈ માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. નેટ સાયવરે ટીમ માટે ઘાતક બેટિંગ કરી હતી. તેણે 38 બોલનો સામનો કરીને અણનમ 72 રન બનાવ્યા હતા. સાયવરે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હિલી મેથ્યુસે 26 રનની ઇનિંગ રમી હતી.
𝙁𝙄𝙍𝙎𝙏 𝙃𝘼𝙏-𝙏𝙍𝙄𝘾𝙆 𝙀𝙑𝙀𝙍 𝙄𝙉 #𝙏𝘼𝙏𝘼𝙒𝙋𝙇 🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 24, 2023
Take a bow Issy Wong 🫡
Follow the match ▶️ https://t.co/QnFsPlkrAG#Eliminator | #MIvUPW pic.twitter.com/n3ZKFaxNvP
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યૂપી વોરિયર્સ સામે મોટી જીત મેળવી છે. મુંબઈએ આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો જ ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. મુંબઈ બીજા ક્રમે હતું. યૂપીએ ત્રીજું સ્થાન મેળવીને એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે આગળ વધી શક્યું ન હતું.
નતાલી સાયવર બ્રન્ટના અણનમ 72 રન અને ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર વિજય મેળવ્યો હતો. ઇસી વોંગે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી. તેણે કિરણ નવગીરે, સિમરન શેખ અને સોફી એક્લેસ્ટોનને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.
કિરણ નવગીરે યૂપી માટે એકલા હાથે લડી હતી. તેણે 27 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેને બીજા છેડેથી કોઈનો સાથ મળ્યો ન હતો. દીપ્તિ શર્મા 16, ગ્રેસ હેરિસ 14 અને એલિસા હિલી 11 રન બનાવીને આઉટ થયા હતા. યૂપીના 11 બેટ્સમેનમાંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. મુંબઈ તરફથી ઈસી વોંગ ઉપરાંત સાયકા ઈશાકે બે વિકેટ ઝડપી હતી. નતાલી સીવર, હેલી મેથ્યુસ અને જય કાલિતાએ એક-એક સફળતા મેળવી હતી.