(Source: ECI/ABP News/ABP Majha)
RCB-W vs UPW-W: બેંગ્લુરુને મળી ચોથી હાર, યૂપી વોરિયર્સેની 10 વિકેટથી શાનદાર જીત
મહિલા પ્રીમિયર લીગ (WPL) માં મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે મુકાબલો હતો.
RCB-W vs UPW-W, Match Highlights: મહિલા પ્રીમિયર લીગ (WPL) માં મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં, યુપી વોરિયર્સે બોલ અને બેટ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કર્યું અને RCB મહિલા ટીમને 10 વિકેટથી હરાવીને સિઝનની તેમની બીજી જીત નોંધાવી. કેપ્ટન એલિસા હીલીએ યુપી વોરિયર્સ માટે મેચ વિનિંગ 96 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી અને માત્ર 13 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન મંધાના અને સોફી ડિવાઇન વચ્ચે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી જોવા મળી હતી, જેમાં કેપ્ટન મંધાના 6 બોલમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. સોફી ડિવાઇન અને એલિસ પેરીએ પ્રથમ 6 ઓવરમાં ટીમને વધુ ઝટકો ન લગાવા દીધા અને સ્કોર 54 રન સુધી લઈ ગયા. એવા સમયે જ્યારે એવું લાગી રહ્યું હતું કે RCB મહિલા ટીમ મેચમાં મોટો સ્કોર કરવા તરફ આગળ વધી રહી છે, ત્યારે સોફી ડિવાઇન 36 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
RCB ટીમે એક છેડેથી વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું, ત્યાં એલિસ પેરી બીજા છેડેથી સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કરતી જોવા મળી. આરસીબીની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 19.2 ઓવરમાં 138 રન બનાવી શકી હતી. ટીમ માટે એલિસ પેરીએ 39 બોલમાં સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી.
યુપી વોરિયર્સ તરફથી બોલિંગમાં સોફી એક્લેસ્ટોનનો જલવો જોવા મળ્યો હતી, જેણે 3.3 ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 3 જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 1 વિકેટ ઝડપી હતી.
એલિસા હીલી અને દેવિકા વૈદ્યની ઓપનિંગ જોડીએ મેચ પૂર્ણ કરી
139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમે આરસીબી મહિલા ટીમના બોલરો પર પ્રથમ બોલથી જ શાનદાર રમત બતાવવાનું ચાલુ રાખ્યું હતું. કેપ્ટન એલિસા હીલી અને દેવિકા વૈદ્યની ઓપનિંગ જોડીએ પ્રથમ 6 ઓવરમાં જ સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો હતો.
આ પછી આ બંને બેટ્સમેનોને રોકવા આરસીબી મહિલા ટીમના બોલરો માટે અશક્ય લાગતું હતું. એલિસા હીલીએ એક છેડેથી મક્કમ ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં તેણે 47 બોલમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 96 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે દેવિકા વૈદ્યએ પણ 31 બોલમાં 36 રનની અણનમ ઇનિંગ રમી હતી.
યુપી વોરિયર્સની ટીમે માત્ર 13 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો અને તેમની નેટ રનરેટમાં નોંધપાત્ર સુધારો કર્યો અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે.