IPL 2022: IPLના ઈતિહાસમાં એક પણ સિક્સ નથી મારી શક્યા આ ત્રણ ક્રિકેટર, આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પણ
આઈપીએલને દુનિયામાં સૌથી લોકપ્રિય અને રોમાંચક ટૂર્નામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ટૂર્નામેન્ટમાં તમામ બેટ્સમેન જબરદસ્ત મેચ રમીને હેડલાઈનમાં ચમકતા હોય છે.
IPL 2022: આઈપીએલને દુનિયામાં સૌથી લોકપ્રિય અને રોમાંચક ટૂર્નામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ટૂર્નામેન્ટમાં તમામ બેટ્સમેન જબરદસ્ત મેચ રમીને હેડલાઈનમાં ચમકતા હોય છે. આઈપીએલની મોટાભાગની મેચોમાં ચોકા અને સિક્સનો વરસાદ થતો હોય છે જેનાથી દર્શકોને મેચ જોવાની ખૂબ મજા આવે છે. ઘણા ખેલાડીઓ આઈપીએલમાં રનના નવા કિર્તીમાન પણ સ્થાપે છે. પણ શું તમે જાણો છો કે આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટર એક પણ સિક્સ નથી મારી શક્યા. આ ક્રિકેટરોને આઈપીએલમાં કેટલીક મેચો રમવાનો મોકો તો મળ્યો પણ તેમનું બેટ શાંત જ રહ્યું હતું. આજે તમને એવા ત્રણ ક્રિકેટર વિશે જણાવીએ જેમણે આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં એક પણ સિક્સ નથી ફટકારી.
1) માઈકલ ક્લાર્ક: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક પોતાની શાનદાર બેટિંગ અને લાંબા છક્કા મારવા માટે જાણીતા છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે, આઈપીએલમાં તેના બેટથી એક પણ છક્કો નથી વાગ્યો. આઈપીએલ 2012માં કલાર્ક પૂણે વોરિયર્સ ટીમ માટે 6 મેચ રમ્યા હતા જેમાં ફક્ત 98 રન બનાવી શક્યા હતા. તેમણે ટૂર્મામેન્ટમાં કુલ 94 બોલ રમ્યા હતા પણ એક સિક્સ નહોતા મારી શક્યા.
2) માઈકલ ક્લિંગર: ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તમામ રેકોર્ડ બનાવનાર ક્રિકેટર માઈકલ ક્લિંગર આઈપીએલ 2011માં કોચ્ચિ ટસ્કર કેરેલા તરફથી 4 મેચ રમ્યા હતા. ક્લિંગરે આ સીઝનમાં 77 બોલ રમ્યા હતા જેમાં ફક્ત 73 રન બનાવ્યા હતા. જો કે તેમાં એક પણ સિક્સ મારવામાં ક્લિંગર ફેલ રહ્યા હતા.
3) કૈલમ ફર્ગ્યુસન: ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કૈલમ ફર્ગ્યુસનને આઈપીએલ 2011માં અને 2012ની સીઝનમાં રમવાનો મોકો મળ્યો હતો. કૈલમ ફર્ગ્યુસને આઈપીએલમાં કુલ 9 મેચ રમી હતી. જેમાં તેણે 117 બોલ રમીને 98 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે એક પણ સિક્સ નહોતી મારી.