હર્ષલ પટેલે આઇપીએલમાં રચ્યો ઇતિહાસ, તોડ્યો લસિથ મલિંગાનો રેકોર્ડ
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હર્ષલે એડન માર્કરમની વિકેટ લઈને ટીમને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની છાપ છોડીને ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર હર્ષલ પટેલે એક નવો ઇતિહાસ રચ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો આ બોલર હવે પસંદગીના IPL બોલરોની યાદીમાં જોડાઈ ગયો છે જેમણે 150 વિકેટનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સોમવારે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. હર્ષલે સોમવારે લસિથ મલિંગાને પાછળ છોડી દીધો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હર્ષલે એડન માર્કરમની વિકેટ લઈને મુલાકાતી ટીમને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. લખનઉની ઓપનિંગ જોડીએ શાનદાર સદીની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. માર્કરમ અને મિશેલ માર્શે ધમાકેદાર શરૂઆત કરી અને 115 રનની ભાગીદારી નોંધાવી હતી. પહેલા માર્શ આઉટ થયો અને પછી જ્યારે માર્કરમ હૈદરાબાદ માટે સમસ્યા બની રહ્યો હતો ત્યારે તેણે શાનદાર ધીમા બોલથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને આઉટ કર્યો હતો.
હર્ષલ હવે IPLમાં 150 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બની ગયો છે. બોલની સંખ્યાના હિસાબે તેણે આ રેકોર્ડ હાંસલ કર્યો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે, જે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો. મલિંગાએ 2444 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે હર્ષલે 2381 બોલમાં એટલે કે 63 બોલ પહેલા જ આ રેકોર્ડ તોડ્યો હતો.
IPLમાં સૌથી ઝડપી 150 વિકેટ
હર્ષલ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બીજા નંબર પર લસિથ મલિંગાનું નામ છે જેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ત્રીજા નંબરે યુઝવેન્દ્ર ચહલ છે જેણે 2543 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. ડ્વેન બ્રાવોએ 2656 બોલમાં 150 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ 2832 બોલમાં 150 વિકેટ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
હર્ષલની ઇકોનોમી રેટ અંગે કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. આ સીઝનમાં તેનો ઇકોનોમી રેટ 9.59 રહ્યો છે, જે દર્શાવે છે કે તેમાં સુધારાની જરૂર છે. તે આ સીઝનમાં ફ્રેન્ચાઇઝનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જેમાં તેણે 15 વિકેટ લીધી છે. પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ હવે બાકીની લીગ મેચોમાં મહત્તમ પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે.




















