GT vs SRH: ગુજરાત ટાઇટન્સે હારેલી બાજી જીતી, અંતિમ બે ઓવરમાં રાશિદ અને તેવટિયાએ કર્યો કમાલ
આ સીઝનમાં ગુજરાતની આ સાતમી જીત છે અને ટીમ પોઇન્ટ ટેબલ્સમાં ટોચ પર પહોંચી ગઇ છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સનો પાંચ વિકેટે વિજય થયો હતો. 196 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે રાહુલ તેવટિયા અને રાશિદની આક્રમક ઇનિંગના સહારે હારેલી બાજી જીતમાં ફેરવી હતી. આ સીઝનમાં ગુજરાતની આ સાતમી જીત છે અને ટીમ પોઇન્ટ ટેબલ્સમાં ટોચ પર પહોંચી ગઇ છે. આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા.
રાહુલ અને રાશિદે જીતાડી મેચ
196 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ગુજરાતની શરૂઆત સારી રહી હતી. ગિલ અને સહાએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. જોકે ગિલ ઉમરાન મલિકની ઓવરમાં 22 રન પર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા મોટો સ્કોર કરી શક્યો નહોતો અને 10 રન બનાવી આઉટ થયો હતો.
બે વિકેટ પડ્યા બાદ સહાએ એક છેડો જાળવી રાખ્યો હતો. સહા અને મિલરે ચોથી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી હતી. ઉમરાન મલિકે સહાને 68 રનમાં ક્લીન બોલ્ડ કર્યો હતો. બાદમાં મિલર 17 અને અભિનવ 0 રન પર આઉટ થતા હૈદરાબાદ મેચ સરળતાથી જીતી જશે તેવું લાગતું હતુ પરંતુ રાશિદ અને રાહુલે હારેલી બાજી જીતમાં ફેરવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સને અંતિમ બે ઓવરમાં જીત માટે 35 રનની જરૂર હતી. રાહુલ અને રાશિદ ખાને આક્રમક ઇનિંગ રમી હતી. રાશિદ ખાન 11 બોલમાં અણનમ 31 રન અને રાહુલે 21 બોલમાં અણનમ 41 રન બનાવી ટીમને જીત અપાવી હતી. હૈદરાબાદ તરફથી ઉમરાન મલિકે પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય એક પણ બોલર કમાલ કરી શક્યો નહોતો.
આ અગાઉ અભિષેક શર્મા (65) અને એડન માર્કરામ (56)ની શાનદાર ઇનિંગ્સને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સને 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ટીમ માટે અભિષેક અને માર્કરામે 61 બોલમાં 96 રનની શાનદાર ભાગીદારી કરી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અલઝારી જોસેફ અને યશ દયાલે એક-એક વિકેટ લીધી હતી.