IPL 2025માં આ છ ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે મળ્યું સ્થાન, જાણો સંપૂર્ણ લિસ્ટ
IPL replacement players 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 માં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે

IPL replacement players 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 માં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે. 8 મેના રોજ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે રદ કરવામાં આવી હતી. આ કારણે 25 મે માટે નક્કી કરાયેલી અંતિમ તારીખ એક અઠવાડિયા (3 જૂન) સુધી લંબાવવી પડી. મોટાભાગના ખેલાડીઓ પોતાના દેશ પરત ફર્યા હતા, જેમાંથી ઘણા ખેલાડીઓ ભારત પાછા ફર્યા છે. ઘણા ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે અને ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને કારણે ભારત આવી રહ્યા નથી. ચાલો તમને જણાવીએ કે 8 મે પછી કયા ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે IPLમાં એન્ટ્રી મળી છે.
પંજાબ કિંગ્સે તેમના ઇજાગ્રસ્ત ખેલાડી લોકી ફર્ગ્યુસનના સ્થાને ખેલાડીની જાહેરાત કરવી પડી હતી, જે 13 એપ્રિલે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયો હતો. તેમના સ્થાને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનની પસંદગી કરવામાં આવી છે. જેમિસનને 2 કરોડ રૂપિયામાં IPLની પંજાબ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે આ 2 ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
રાજસ્થાન રોયલ્સ, જે પહેલાથી જ IPL ટુર્નામેન્ટમાંથી બહાર છે, તેણે 8 મેના રોજ તેમના બે ઘાયલ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. નીતિશ રાણા ઈજાને કારણે અને સંદીપ શર્મા આંગળીની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. નીતીશના સ્થાને ટીમે દક્ષિણ આફ્રિકાના લુઆન-ડ્રે પ્રિટોરિયસને 30 લાખ રૂપિયામાં સામેલ કર્યો છે. સંદીપની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના નાન્દ્રે બર્ગરને 3.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ડીસી, જીટી અને એલએસજીએ પણ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
દિલ્હી કેપિટલ્સમાં સામેલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્ક આઇપીએલ સ્થગિત થયા બાદ ઘરે પરત ફર્યો હતો. તે ધર્મશાલામાં હતો જ્યારે પાકિસ્તાન દ્વારા જમ્મુમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલા તરીકે મેચ અટકાવવામાં આવી હતી. અંગત કારણોસર તેણે ભારત પાછા ન ફરવાનો નિર્ણય લીધો અને તેમના સ્થાને દિલ્હી કેપિટલ્સે 14 મેના રોજ મુસ્તફિઝુર રહેમાનને 6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો
ગુજરાત ટાઇટન્સે તેમના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરના સ્થાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય ફરજને કારણે બટલર બાકીની મેચો રમશે નહીં, તેમના સ્થાને શ્રીલંકાના કુસલ મેન્ડિસને ગુજરાતે 75 લાખ રૂપિયામાં પસંદ કર્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવ શરૂઆતથી જ ઘાયલ હતો, પરંતુ IPL મુલતવી રાખ્યા બાદ નવા શિડ્યૂલની જાહેરાત થતાં ટીમે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. 15 મેના રોજ ન્યૂઝીલેન્ડના બોલર વિલ ઓ'રોર્કને ૩ કરોડ રૂપિયામાં મયંકના સ્થાને લખનઉની ટીમમા સામેલ કરાયો હતો.
આરસીબી માટે સારા સમાચાર
RCBના કેપ્ટન રજત પાટીદારને 3 મેના રોજ ચેન્નઇ સામે આંગળીમાં ઈજા થઈ હતી, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે લીગ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ શકે છે. આરસીબીનો આગામી મુકાબલો 8 મેના રોજ લખનૌ સાથે હતો, જેમાં પાટીદારનું રમવું શંકાસ્પદ હતું. જોકે, આ મેચ પહેલા ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી અને નવા શિડ્યૂલ મુજબ, RCB ની આગામી મેચ 17 મે ના રોજ કોલકત્તા સામે છે. રજત તેની ટીમમાં જોડાઈ ગયો છે, તેને પણ સમય મળ્યો છે. બેંગલુરુમાં કોલકાતા સામે તે કેપ્ટનશીપ કરતો જોવા મળે તેવી પૂરી શક્યતા છે.




















