KKR VS GT: ગુજરાતે કોલકત્તાને હરાવીને નોંધાવી છઠ્ઠી જીત, 12 પોઇન્ટ સાથે ગુજરાત ટાઇટન્સ ટૉપ પર
ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તેમાંથી 6 મેચ જીતી છે
ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું અને IPLમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકત્તા આઠ વિકેટના નુકસાન પર 159 રન જ કરી શક્યું હતું. કોલકત્તાનો કેપ્ટન અજિંક્ય રહાણે 36 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં જોસ બટલરે તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો.
કોલકાતાના બંને ઓપનર 50 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. સુનીલ નારાયણ 17 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાનની બોલિંગમાં રાહુલ તેવતિયાએ તેનો કેચ કર્યો હતો. કોલકત્તાએ 6 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને KKRને પહેલો ઝટકો આપ્યો. સિરાજે ગુરબાઝને LBW આઉટ કર્યો હતો.
ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચ જીતીને શુભમન ગિલની ટીમે પ્લેઓફની દોડમાં આગળ વધી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તેમાંથી 6 મેચ જીતી છે. 12 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
ગુજરાત ટાઇટન્સને હજુ લીગ સ્ટેજમાં 6 મેચ રમવાની બાકી છે. જો શુભમન ગિલ અને કંપની વધુ 2 મેચ જીતે તો તેઓ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લેશે. જો આપણે છેલ્લા 2-3 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો 16 પોઈન્ટ ધરાવતી ટીમો પ્લેઓફમાં પહોંચી છે.
IPL 2025 પોઈન્ટ ટેબલ સ્ટેટસ
ગુજરાત ટાઇટન્સ માટે પ્લેઓફ સુધીની સફર સરળ બની ગઈ છે પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ સીઝનમાં રહાણેની ટીમ પહેલી વાર સતત બે મેચ હારી ગઈ છે. કોલકત્તા હાલમાં 8 માંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેમને બાકીની 6 મેચોમાંથી 5 જીતવાની જરૂર છે.
આ 3 ટીમો માટે પ્લેઓફમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે
5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ IPL 2025 માં સંઘર્ષ કરી રહી છે. છેલ્લી મેચમાં MS ધોનીની ટીમનો મુંબઈ ઇન્ડિયન્સ સામે ખરાબ રીતે પરાજય થયો હતો. આ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. જો તેમને પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય તો તેમણે બાકીની બધી મેચ જીતવી પડશે અને તેમનો નેટ રન રેટ પણ સુધારવો પડશે. રાજસ્થાન રોયલ્સની હાલત પણ ચેન્નઇ જેવી જ છે. જોકે, તેમનો નેટ રન રેટ થોડો સારો છે અને તેથી તેઓ પોઈન્ટ ટેબલ પર ચેન્નઇ કરતા આગળ 8મા ક્રમે છે. IPL 2025 ની રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ પણ આ સીઝનમાં હજુ સુધી સારુ પ્રદર્શન કરી શકી નથી. પેટ કમિન્સની ટીમે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને ફક્ત બે જ જીતી છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેમને બાકીની બધી મેચ જીતવી પડશે.



















