IPLની શરૂઆત જ જોરદાર! પહેલા અઠવાડિયામાં જ વ્યુઅરશિપનો નવો રેકોર્ડ, ૫૦૦૦ કરોડ મિનિટ....
ટીવી અને JioHotstar પર રેકોર્ડબ્રેક વ્યુઅરશિપ, ગત સિઝન કરતાં ૩૩ ટકાનો જંગી વધારો.

IPL 2025 viewership record: IPL 2025ની શરૂઆત ધમાકેદાર રહી છે અને પ્રથમ સપ્તાહમાં જ દર્શકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકોની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિઝનની પ્રથમ ત્રણ મેચોનો કુલ જોવાયો સમય ૫૦ અબજ મિનિટને વટાવી ગયો છે, જે ગત સિઝનની સરખામણીમાં ૩૩ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારિત થયેલી પ્રથમ ત્રણ મેચોને ૨૫.૩ કરોડ લોકોએ નિહાળી હતી. IPLના ઇતિહાસમાં કોઈપણ સિઝનના પ્રથમ વીકએન્ડમાં આટલી ઊંચી વ્યુઅરશિપ ક્યારેય જોવા મળી નથી. આ મેચોનો કુલ જોવાનો સમય ૨,૭૭૦ કરોડ મિનિટ નોંધાયો છે, જે ગયા વર્ષ કરતાં ૨૨ ટકા વધારે છે.
ડિજિટલ પ્લેટફોર્મ JioHotstar પર પણ દર્શકોનો જબરજસ્ત ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ મેચોને ૧૩૭ કરોડ વખત જોવામાં આવી છે. IPLના પ્રથમ વીકએન્ડમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આટલી મોટી સંખ્યામાં દર્શકોનો આંકડો પહેલીવાર સામે આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીમાં ૪૦ ટકાનો વધારો સૂચવે છે. આ પ્લેટફોર્મ પર મેચોનો કુલ જોવાયો સમય ૨,૧૮૬ કરોડ મિનિટ રહ્યો હતો.
IPL 2025ની શરૂઆત ૨૨ માર્ચ શનિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મેચથી થઈ હતી. ત્યારબાદ રવિવારે બે મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અને બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હતી.
🚨 A HISTORIC WEEK FOR JIOSTAR IN IPL 🚨
— Johns. (@CricCrazyJohns) March 28, 2025
- IPL 2025 registered 137 Crore Views on JioStar, highest ever for an opening weekend 🤯 pic.twitter.com/MBLHnjiAbT
જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, શુક્રવાર સુધી રમાયેલી ૭ મેચોના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર નેટ રન રેટના આધારે ટોચ પર છે. નોંધનીય છે કે ૪ ટીમોએ અત્યાર સુધી ૨-૨ મેચ રમી છે, પરંતુ કોઈ પણ ટીમ બે મેચ જીતવામાં સફળ રહી નથી. બેંગલોરનો નેટ રન રેટ (+૨.૧૩૭) સૌથી સારો છે. આરસીબીની સાથે લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાનો પર છે.
IPL 2025ના પ્રથમ સપ્તાહમાં દર્શકોની આ રેકોર્ડબ્રેક સંખ્યા દર્શાવે છે કે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે અને ક્રિકેટ ચાહકોમાં તેનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.



















