(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2024: KKR સામે રવિંદ્ર જાડેજાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, રોહિત શર્માની કરી બરાબરી
ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્ વચ્ચેના મુકાબલામાં ચેન્નઈની જીત થઈ છે. રવિન્દ્ર જાડેજાની બોલિંગે KKRને ઓછા સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
CSK vs KKR: ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્ વચ્ચેના મુકાબલામાં ચેન્નઈની જીત થઈ છે. રવિન્દ્ર જાડેજાની બોલિંગે KKRને ઓછા સ્કોર સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી, પરંતુ આ મેચમાં જાડેજા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 100 કેચ પૂરા કરનાર માત્ર પાંચમો ખેલાડી બન્યો હતો. જાડેજાએ KKR સામેની મેચમાં 3 કેચ લઈને આ રેકોર્ડ બનાવ્યો છે. જાડેજાએ કોલકાતા નાઈટ રાઈડર્સના ફિલિપ સોલ્ટ, શ્રેયસ અય્યર અને મિશેલ સ્ટાર્કના કેચ પણ લીધા હતા.
આઈપીએલના ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા પહેલા માત્ર 4 ખેલાડી 100 કે તેથી વધુ કેચ લઈ શક્યા છે. જાડેજાએ 231 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજા IPLમાં 100 કેચ ઝડપનાર ચોથો ભારતીય અને વિશ્વનો પાંચમો ખેલાડી બની ગયો છે. તેના પહેલા વિરાટ કોહલી (110), સુરેશ રૈના (109), કિરોન પોલાર્ડ (103) અને રોહિત શર્મા (100) આ કરી ચુક્યા છે. KKR સામેની મેચ દરમિયાન કોમેન્ટેટર હર્ષા ભોગલેએ જાડેજાને આ રેકોર્ડ વિશે પૂછ્યું, જવાબમાં જાડેજાએ કહ્યું કે તે તેના કેચની સંખ્યા ગણતો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલની એક મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવિન્દ્ર જાડેજા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. સૌથી વધુ કેચ લેવાના મામલે શિખર ધવન પણ પાછળ નથી, જેણે તેની IPL કરિયરમાં 98 કેચ લીધા છે.
આઈપીએલમાં રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ ઐતિહાસિક છે
રવિન્દ્ર જાડેજા 2008થી એટલે કે પ્રથમ સિઝનથી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે 231 મેચમાં બેટ્સમેન તરીકે 2,776 રન બનાવ્યા છે. બોલર તરીકે તેણે અત્યાર સુધીમાં 156 વિકેટ ઝડપી છે. તે IPLના ઈતિહાસમાં 2000 થી વધુ રન બનાવનાર અને 150 થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે. જાડેજા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર 9મા ક્રમે છે.
ચેન્નાઈએ કોલકાતાનો વિજયરથ રોક્યો, 7 વિકેટે મેળવી જીત
IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેપોકમાં રમાયેલી આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા રમતા 137 રન જ બનાવી શકી હતી. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ચેન્નાઈ માટે, પ્રથમ રવિન્દ્ર જાડેજા અને તુષારદેશ પાંડેએ ત્રણ-ત્રણ વિકેટ લઈને બોલ સાથે કહેર વર્તાવ્યો અને ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે બેટિંગમાં કમાલ કરી હતી. ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે કેકેઆરની પહેલી હાર છે.