IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
જમણેરી ફાસ્ટ બોલર કૃષ્ણાએ તેમના IPL કરિયરમાં અત્યાર સુધીમાં 51 મેચોમાં 34.75ની સરેરાશ અને 8.92ની ઈકોનોમી રેટથી 49 વિકેટ લીધી છે.
Prasidh Krishna Gujarat Titans: સાઉદી અરેબિયાના જેદ્દામાં યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની હરાજીમાં પ્રસિદ્ધ કૃષ્ણાને ગુજરાત ટાઈટન્સ (GT)એ 9.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા આ બોલરને ખરીદવામાં GT ઉપરાંત રાજસ્થાન રોયલ્સ (RR)એ રસ દાખવ્યો હતો. તે છેલ્લી વાર આ લીગમાં 2022માં RR તરફથી જ રમ્યો હતો.
આવુ રહ્યું છે કૃષ્ણાનું IPL કરિયર
જમણેરી ફાસ્ટ બોલર કૃષ્ણાએ તેમના IPL કરિયરમાં અત્યાર સુધીમાં 51 મેચોમાં 34.75ની સરેરાશ અને 8.92ની ઈકોનોમી રેટથી 49 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમનો શ્રેષ્ઠ દેખાવ 30 રન આપીને ચાર વિકેટ લેવાનો રહ્યો છે. IPL 2022માં RR માટે 17 મેચોમાં 29.00ની સરેરાશ સાથે 19 વિકેટ લીધી હતી. તેઓ ઈજાને કારણે IPL 2023 અને 2024માં રમી શક્યો નહતો.
હરાજી પહેલાં GTએ આ ખેલાડીઓને રિટેઈન કર્યા હતા
હરાજી પહેલાં GTએ રાશિદ ખાનને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપીને રિટેઈન કર્યો હતો. આની સાથે GTએ શુભમન ગિલ (16.5 કરોડ રૂપિયા), સાઈ સુદર્શન (8.5 કરોડ રૂપિયા), રાહુલ તેવતિયા (4 કરોડ રૂપિયા) અને શાહરુખ ખાન (4 કરોડ રૂપિયા)ને પણ પોતાની સાથે રાખ્યા હતા. ગિલ ટીમના કેપ્ટન બની રહેશે. ફ્રેન્ચાઈઝીએ ડેવિડ મિલર જેવા મોટા ખેલાડીને રિલીઝ કરી દીધો હતો. આશિષ નેહરા પણ ટીમના કોચ બની રહેશે.
ફિલ સાલ્ટ અને જીતેશ શર્માને આરસીબીએ ખરીદ્યો
ઈંગ્લેન્ડના ધાકડ બેટ્સમેન ફિલ સાલ્ટને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જે ગયા સીઝનમાં KKR માટે રમ્યો હતો. સાલ્ટ તોફાની બેટિંગ માટે જાણીતા છે. આરસીબીએ એક બીજા વિકેટકીપરને ખરીદ્યો છે. બેંગલુરુએ ભારતીય વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ખરીદ્યો છે. જીતેશને આરસીબીએ 11 કરોડમાં લીધો છે.
અશ્વિનની થઈ ઘર વાપસી
રવિચંદ્રન અશ્વિનની ઘર વાપસી થઈ ગઈ છે. તેમને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ખરીદ્યા. સીએસકેએ અશ્વિનને બેઝ પ્રાઈસથી ઘણા ગણા વધારે દામમાં ખરીદ્યા. અશ્વિનને 9.75 કરોડ રૂપિયા મળ્યા. અશ્વિન ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણા મોકા પર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. તેઓ આ પહેલા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતા.
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને ગુજરાત ટાઈટન્સે 10.75 કરોડમાં ખરીદ્યો. ગયા વર્ષે સૌથી મોંઘા રહેલા મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડમાં ખરીદ્યો. હવે સિરાજ પણ 10 કરોડથી વધુમાં વેચાયા છે. આ બધા સ્ટાર ફાસ્ટ બોલરોને 15 કરોડથી ઓછી રકમમાં ખરીદવામાં આવ્યા છે. સિરાજ અત્યાર સુધીના સૌથી મોંઘા ફાસ્ટ બોલર છે. તેમને શમી, સ્ટાર્ક અને રબાડા કરતાં વધારે રકમ મળી છે.
આ પણ વાંચોઃ