PBKS vs KKR: પંજાબ કિંગ્સે તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ, IPLમાં સૌથી ઓછા લક્ષ્યનો કર્યો બચાવ
આ બાબતમાં પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સના 16 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે

સ્પિનર યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 16 રનથી હરાવ્યું હતું. પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 15.3 ઓવરમાં 111 રન બનાવ્યા પરંતુ જવાબમાં કોલકત્તાની ટીમ 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ પંજાબે IPLના ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.
Are you not entertained? 🥳 pic.twitter.com/tTkKDm8MtZ
— Punjab Kings (@PunjabKingsIPL) April 15, 2025
ચેન્નઇનો રેકોર્ડ તૂટ્યો
આ બાબતમાં પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સના 16 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. CSK એ 2009 માં ડરબનમાં પંજાબ સામે તેના સૌથી ઓછા લક્ષ્યનો બચાવ કર્યો હતો. ચેન્નઇએ 117 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. પંજાબની ટીમ આઠ વિકેટે માત્ર 92 રન જ બનાવી શકી હતી. હવે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળની ટીમે 16 વર્ષ પછી આ રેકોર્ડને તોડી નાખ્યો અને કોલકત્તાને 112 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા દીધો નહીં. કોલકત્તા અને પંજાબ કિંગ્સ વચ્ચે હંમેશા રસપ્રદ મેચ જોવા મળે છે. ગયા સીઝનમાં પંજાબે કોલકત્તા સામે આઇપીએલમાં સૌથી વધુ લક્ષ્ય હાંસલ કર્યું હતું. હવે, IPLના સૌથી ઓછા સ્કોરનો બચાવ થયો છે.
પંજાબ કિંગ્સના છ મેચમાં ચાર જીત અને બે હાર સાથે આઠ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. KKR ની ટીમ સાત મેચમાંથી ત્રણ જીત અને ચાર હાર બાદ છ પોઈન્ટ સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ છ મેચમાં ચાર જીત અને બે હાર સાથે આઠ પોઈન્ટ સાથે ટોચ પર છે.
ચહલ IPLમાં સૌથી વધુ 4 પ્લસ વિકેટ લેનાર બોલર બન્યો
આ મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ચહલ IPLમાં સૌથી વધુ વખત ચાર કે તેથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ બાબતમાં તેણે કોલકત્તાના અનુભવી સ્પિનર સુનીલની બરાબરી કરી જેણે ચહલની જેમ IPLમાં આઠ વખત ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. કોલકત્તા સામે આ ત્રીજી વખત છે જ્યારે ચહલે ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. લસિથ મલિંગાએ સાત વખત, કગીસો રબાડાએ છ વખત અને અમિત મિશ્રાએ પાંચ વખત આવું કર્યું છે.




















