IPLના ઈતિહાસમાં પહેલી વાર સ્ટંપ આઉટ થયો ઋષભ પંત, વોર્નરના નામે પણ નોંધાયો ખરાબ રેકોર્ડ
IPL 2022 ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું હતું.
PBKS vs DC: IPL 2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સે 13 મેચ રમી છે અને પંજાબ સામેની તેમની આ સાતમી જીત છે. પંજાબને હરાવીને દિલ્હીએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ સાથે જ પંજાબ કિંગ્સની 13 મેચમાં આ સાતમી હાર છે. આ મેચમાં લિયામ લિવિંગસ્ટોને દિલ્હીની ઇનિંગ્સના પહેલા જ બોલ પર વોર્નરને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. વોર્નર IPLમાં 8 વર્ષ બાદ હવે પહેલા બોલ પર આઉટ થયો હતો.
આ પહેલાં 16 મે 2013ના દિવસે પંજાબ સામેની જ મેચમાં ડેવિડ વોર્નર ગોલ્ડન ડક આઉટ થયો હતો. આ પહેલાં 22 મે 2009ના રોજ, ડેવિડ વોર્નર ડેક્કન ચાર્જર્સ સામે પહેલી વાર ગોલ્ડન ડક આઉટ થયો હતો. વોર્નરે અત્યાર સુધી આઈપીએલમાં 161 મેચમાં 42.27ની એવરેજ અને 140.78ની સ્ટ્રાઈક રેટથી 5876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 55 અડધી સદી ફટકારી છે. તે લીગમાં 9 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. વોર્નર IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ત્રીજા ક્રમે છે. વિરાટ કોહલી નંબર 1 પર અને શિખર ધવન બીજા નંબર પર છે.
ગઈકાલે રમાયેલી પંજાબ સામેની મેચમાં દિલ્હીના કેપ્ટન પંતે 3 બોલમાં 7 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોનના બોલ પર વિકેટકીપર જીતેશ શર્માએ તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. પંત તેની 7 વર્ષની IPL કરિયરમાં પ્રથમ વખત સ્ટમ્પ થયો હતો. આ પહેલાં પણ ઋષભ પંત 15 વખત નોટઆઉટ રહ્યો છે. તે 14 વખત બોલ્ડ થયો છે, 48 વખત કેચ આઉટ થયો છે, 6 વખત વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો છે, 5 વખત LBW, 7 વખત રન આઉટ થયો છે અને એકવાર સ્ટમ્પ થયો છે. પંતની હજુ સુધી ક્યારેય હિટ વિકેટ આઉટ નથી થયો.