Olympics: ક્યાંથી આવ્યો શબ્દ 'ઓલિમ્પિક', ક્યારે પહેલીવાર થયુ હતુ રમતોનું આયોજન ? જાણો પુરેપુરો ઇતિહાસ
Olympics Games History: ઓલિમ્પિક 2024 આગામી દિવસોમાં, એટલે કે 26 જુલાઈથી શરૂ થશે. આ વખતે પેરિસ આ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે. આ ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી રમાશે
Olympics Games History: ઓલિમ્પિક 2024 આગામી દિવસોમાં, એટલે કે 26 જુલાઈથી શરૂ થશે. આ વખતે પેરિસ આ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે. આ ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી રમાશે. ઓલિમ્પિકમાં ભાગ લેવો અને મેડલ જીતવું એ દરેક એથ્લેટનું સપનું હોય છે. ઓલિમ્પિકમાં વિશ્વના તમામ દેશોના ખેલાડીઓ ભાગ લે છે, જેના કારણે કોઈ પણ એથ્લેટ માટે મેડલ જીતવું સરળ નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઓલિમ્પિક ગેમ્સ ક્યારે શરૂ થઈ અને આ ગેમ્સ પહેલીવાર ક્યારે અને ક્યાં રમાઈ? અમે તમને ઓલિમ્પિકનો ઈતિહાસ બતાવી રહ્યાં છીએ. આ સિવાય એ પણ જાણી લો કે 'ઓલિમ્પિક્સ' શબ્દ ક્યાંથી આવ્યો.
ક્યાંથી આવ્યો 'ઓલિમ્પિક' શબ્દ
તમે વર્ષોથી 'ઓલિમ્પિક્સ' નામ ઘણું સાંભળ્યું હશે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ શબ્દ ક્યાંથી આવ્યો છે. વાસ્તવમાં, ઓલિમ્પિક ગેમ્સ લગભગ 3000 વર્ષ પહેલા શરૂ થઈ હતી, જે ગ્રીસના ઓલિમ્પિયામાં રમાતી હતી. ઓલિમ્પિયાના આ શહેરમાંથી જ આ રમતોને 'ઓલિમ્પિક્સ' નામ મળ્યું.
ક્યારે થઇ હતી ઓલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત ?
લગભગ 3000 વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી. 19મી સદીના અંતમાં આ રમતોને ફરીથી જીવંત કરવામાં આવી અને અહીંથી તે વિશ્વની મુખ્ય રમત સ્પર્ધા બની. આ રમતોને 1894માં ફ્રાન્સના પિયર ડી કુબર્ટિન દ્વારા પુનર્જીવિત કરવામાં આવી હતી. તે પછી 1896 માં ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ વખત આધુનિક ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ એથેન્સના પેનાથેનાઈક સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં 14 દેશો અને 241 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ 43 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 1900માં યોજાયેલી બીજી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓલિમ્પિક્સમાં ભારતને ક્યારે મળ્યું પહેલુ મેડલ ?
ભારતે સૌપ્રથમ 1900માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. આ ઓલિમ્પિકમાં એકમાત્ર એથ્લીટ નોર્મન પ્રિચાર્ડે ભારત માટે બે સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતે 1928માં ઓલિમ્પિકમાં પ્રથમ ગૉલ્ડ મેળવ્યો હતો. ભારતની હોકી ટીમે 1928 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતને 2008માં તેનો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ મળ્યો હતો, જે અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો હતો.