Neeraj chopra: ખેડૂતના દિકરા નીરજે દેશને અપાવ્યો પ્રથમ વખત એથલિટ્સમાં ગોલ્ડ, આર્મીમાં ક્યાં પદ પર છે નિયુક્ત ?
ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતે એથ્લિટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારતે એથ્લિટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે આ ઓલિમ્પિકમાં પણ ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.
નીરજનો જન્મ 24 ડિસેમ્બર 1997 ના રોજ હરિયાણાના પાણીપત જિલ્લાના ખંદ્રા ગામમાં એક ખેડૂતના ઘરે થયો હતો. નીરજે પોતાનો અભ્યાસ ચંદીગઢથી કર્યો હતો. નીરજે પોલેન્ડમાં 2016 IAAF વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો, ત્યારબાદ તેને સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
જર્મન કોચ પાસે તાલીમ લીધી
નીરજ ચોપરાએ પોતાની થ્રોઇંગની કુશળતા સુધારવા માટે જર્મનીના બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્તોનિટ્ઝ પાસેથી તાલીમ લીધી છે. ત્યારથી નીરજના પ્રદર્શનમાં સાતત્ય આવ્યું છે.
5 ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો
ભારતીય સેનામાં કામ કરનારા નીરજે પોતાની કારકિર્દીમાં અત્યારસુધીમાં 5 મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ગેમ્સ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
વજન ઘટાડવા એથ્લેટિક્સમાં આવ્યો હતો
નીરજ ચોપરા હરિયાણાના પાણીપત જિલ્લાનો રહેવાસી છે. નીરજ ચોપરા વજન ઘટાડવા માટે એથ્લેટિક્સમાં જોડાયો હતો. ટૂંક સમયમાં તેણે વય જૂથ સ્પર્ધાઓ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને અન્ય ટૂર્નામેન્ટમાં પણ જીત મેળવી હતી. 2016માં તે ભારતીય સેનામાં જોડાયો હતો.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 16મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 47માં ક્રમે છે. અમેરિકા 35 ગોલ્ડ, 37 સિલ્વર અને 33 બ્રોન્ઝ એમ 105 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 38 ગોલ્ડ, 31 સિલ્વર અને 18 બ્રોન્ઝ મળી કુલ 87 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 26 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ એમ મળી કુલ 55 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.