PM મોદીએ મહિલા હોકી ખેલાડીઓ સાથે ફોન પર કરી વાતચીત, કહ્યુ- 'તમે જે રીતે રમ્યા તેના પર દેશને ગર્વ છે'
વડાપ્રધાન મોદીએ શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની રેસમાં બહાર થનારી મહિલા હોકી ટીમ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન મહિલા હોકી ટીમના અનેક ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની રેસમાં બહાર થનારી મહિલા હોકી ટીમ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન મહિલા હોકી ટીમના અનેક ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેટી તમે બધા ખૂબ સારુ રમ્યા. તમે પાંચ-છ વર્ષથી આ રમતમાં ખૂબ પરસેવો પાડ્યો છે. બધુ છોડીને આ રમતમાં સાધના કરી રહ્યા હતા. તમે દેશની દીકરીઓ માટે પ્રેરણારૂપ બની ગયા છો. હું ટીમના ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવું છું. ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે બધા ખૂબ સારુ રમ્યા. એટલો પરસેવો પાડ્યો, પાંચ-છ વર્ષથી ખૂબ મહેનત કરી. તમારો પરસેવો મેડલ લાવી શક્યો નહી પરંતુ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે. હું ટીમના તમામ સાથીઓ અને કોચને અભિનંદન આપું છું અને નિરાશ બિલકુલ થવાનું નથી.
વડાપ્રધાને એક ખેલાડી નવનીતની આંખ પર થયેલી ઇજાનો પણ ઉલ્લેખ કર્યો તો ટીમના કેપ્ટન રાનીને કહ્યું કે, હા ચાર ટાંકા આવ્યા છે. જેના પર વડાપ્રધાને કહ્યું કે, અરે બાપ રે, હું તેને જોઇ રહ્યો હતો...હાલમા તેની આંખ ઠીક છે ને કોઇ તકલીફ નથી ને? વંદના, સલીમા તમામ સારુ રમ્યા છે.
વડાપ્રધાને જ્યારે ખેલાડીઓના રડવાનો અવાજ સાંભળ્યો તો કહ્યું કે તમે રડવાનું બંધ કરો. મારા સુધી અવાજ આવી રહ્યો છે. બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. તમારા લોકોની મહેનતથી હોકી ફરીથી પુનઃજીવિત થઇ રહી છે. આ રીતે નિરાશ થવાની જરૂર નથી. વાતચીત દરમિયાન ટીમના કોચે પણ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું કે, તેમની આ વાતચીતથી ટીમને ખૂબ બળ મળ્યું છે.