(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Olympics 2020: PM મોદીએ હોકી ટીમના કેપ્ટન સાથે શું કરી વાત? જાણો વિગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને શુભકામના આપી હતી. તેમણે આજે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ સાથે વાત કરી હતી. તેમજ તેમને જીત અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. ભારતની જીતથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને શુભકામના આપી હતી. તેમણે આજે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ સાથે વાત કરી હતી. તેમજ તેમને જીત અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે હોકી ટીમના કોચ સાથે પણ વાત કરી હતી.
આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતની શાનદાર જીત પર પ્રધાન મંત્રી મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીનું ટ્વીટ
વર્તમાન વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી અને જર્મનીએ મેચના પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે આ ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે પાછા આવવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો. પ્રથમ ક્વાર્ટરના અંત બાદ જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. જોકે, ભારતના ગોલકીપર શ્રીજેશે આ ક્વાર્ટરમાં કેટલાક શાનદાર બચાવ કર્યા હતા.
ટીમ ઇન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી
હાર્દિક સિંહે આ મેચમાં 26 મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. આ પછી, ભારતે ફરી એકવાર શાનદાર વાપસી કરી અને જર્મનીના સંરક્ષણ પર સતત દબાણ રાખ્યું. 28મી મિનિટે તેને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.
ત્રીજા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાએ જર્મની પર પ્રભુત્વ જમાવ્યું હતું
ત્રીજા ક્વાર્ટરમાં, ભારતે મેચ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને જર્મની પર લીડ મેળવી લીધી. ભારતે આ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. રૂપિન્દર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર આ ગોલ કરીને ટીમને 4-3થી આગળ કરી દીધી હતી. ત્રણ મિનિટ બાદ 34 મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી.
જર્મની ચોથા ક્વાર્ટરમાં વાપસી કરી
ચોથા ક્વાર્ટરની શરૂઆતથી જર્મનીએ આક્રમક હોકી રમીને ભારત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. જર્મનીએ ચોથો ગોલ ફટકારીને ફરી 5-4ના સ્કોર સાથે આ મેચને રોમાંચક વળાંક પર લાવી.