પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારો સુમિત કુશ્તીબાજ બનવા માગતો હતો, બાઈકને ટ્રેક્ટરે ટક્કર મારતાં થયો ઘાયલ, પગ કાપવો પડ્યો ને..........
પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારો સુનિલ અંતિલ એક સમયે કુશ્તીમાં દેશને મેડલ અપાવવાનું સપનું જોતો હતો. સોનીપતના સુમિત અંતિલે છ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો.
ટોક્યોઃ હરિયાણામાં જન્મેલા સુમિત અંતિલે પેરાલિમ્પિક ગેઈમ્સમાં જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા મહિલા શૂટર અવનિ લેખરાએ સોમવારે સવારે 10 મીટર એર રાઈફલ એસએચ 1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરાલિમ્પિક ગેઈમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારો સુનિલ અંતિલ એક સમયે કુશ્તીમાં દેશને મેડલ અપાવવાનું સપનું જોતો હતો. જો કે સોનીપતના સુમિત અંતિલે છ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો. 2015ની એક સાંજે 17 વર્ષના સુમિતની બાઈકને ટ્રેક્ટરે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં સુમિતે એક પગ કાયમ માટે ગુમાવવો પડ્યો. સુમિત ઘણા મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો. એ પછી 2016માં સુમિતને નકલી પગ લગાવાયો.
એ વખતની સ્થિતી જોતાં સુમિત હારી જશે એવું લાગતું હતું પણ સુમિતે હાર માનવાના બદલે લડત ચાલુ રાખી અને પ્રતિકૂળ પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કર્યો. સ્પોર્ટસ માટે પહેલેથી જ સુમિતને ઝનૂન હતું તેથી તેણે પેરાલિમ્પિક ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોચ વીરેન્દ્ર ધનખડે તેને પ્રોત્સાહન આપ્યું અને દિલ્હીમાં કોચ નવલ સિંહે તેને જેવલિન થ્રોમાં તૈયાર કર્યો. સુમિતે 2018માં એશિયન ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાને આવીને સારો દેખાવ કર્યો પછી તેનો ઉત્સાહ વધ્યો. એ પછી 2019માં સુમિતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. એ જ વર્ષે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતીને પોતાની માનસિક તાકાતનો પરચો આપ્યો.
સુમિતે ગોલ્ડ જીતતાં જ ભારતના મેડલની સંખ્યા સાત પર પહોંચી ગઈ હતી. ભારતે સોમવારના દિવસે જ પાંચ મેડલ જીત્યા હતા. સુમિત અંતિલ પહેલા અવનિ, દેવેન્દ્ર ઝાઝરિયા, સુંદર સિંહ ગુર્જર અને યોગેશ કાથુનિયાએ પણ સોમવારે દેશ માટે મેડલ જીત્યા હતા. દેવેન્દ્ર અને સુંદરએ ભાલા ફેંક એફ46માં મેડલ જીત્યા, જ્યારે યોગેશે ડિસ્ક્સ થ્રોમાં ટી56માં મેડલ પોતાના નામે કર્યો.