Wrestlers Protest: '72 કલાકની અંદર જવાબ આપે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા', વિનેશ ફોગાટના આરોપ પર એક્શનમાં સરકાર
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ રેસલર્સના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી રેસલિંગ એસોસિએશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે
Wrestler Protest: સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ રેસલર્સના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી રેસલિંગ એસોસિએશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે. એક ચોંકાવનારો ખુલાસો કરતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે (18 જાન્યુઆરી) રડી પડી હતી અને આરોપ લગાવ્યો કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું જાતીય સતામણી કરી રહ્યા છે. મહિલા રેસલરે તેમને હટાવવા માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી હતી.
રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને ફેડરેશનના કામકાજમાં ગેરવહીવટનો ખુલાસો માંગ્યો છે અને તેના પર લાગેલા આરોપો પર આગામી 72 કલાકમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ડબલ્યૂએફઆઇને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે આ મામલો રમતવીરોના કલ્યાણ સાથે સંબંધિત હોવાથી મંત્રાલયે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે.
જવાબ નહીં આપે તો કાર્યવાહી કરવામાં આવશે
મંત્રાલયે વધુમાં કહ્યું છે કે જો ડબલ્યૂએફઆઇ આગામી 72 કલાકમાં જવાબ આપવામાં નિષ્ફળ જશે તો મંત્રાલય રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011ની જોગવાઈઓ અનુસાર ફેડરેશન સામે કાર્યવાહી શરૂ કરશે. ઉપરાંત, મહિલા રાષ્ટ્રીય કુસ્તી તાલીમ શિબિર જે 18 જાન્યુઆરી, 2023 થી લખનઉમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) ખાતે 41 કુસ્તીબાજો અને 13 કોચ અને સહાયક સ્ટાફ સાથે શરૂ થવાની હતી તે રદ કરવામાં આવી છે.
વિનેશ ફોગાટે આ દાવો કર્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે દાવો કર્યો હતો કે લખનઉમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલા કુસ્તીબાજોનું શોષણ કરવામાં આવ્યું હતું. એવી કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા પર રેસલર્સનો સંપર્ક કરે છે. 28 વર્ષીય કુસ્તીબાજએ જોકે સ્પષ્ટતા કરી હતી કે તેણીએ પોતે આ પ્રકારના દુર્વ્યવહારનો સામનો કર્યો નથી.
તેમણે દાવો કર્યો હતો કે WFI પ્રમુખના કહેવા પર તેમને તેમના નજીકના અધિકારીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી કારણ કે તેમણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પછી તેમની સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવાની હિંમત કરી હતી.
"પીએમ અને ગૃહમંત્રીની સામે નામ જાહેર કરીશું"
દિલ્હીના જંતર-મંતર પર ચાર કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેઠા પછી વિનેશે કહ્યું, "મને 10-12 મહિલા કુસ્તીબાજોએ પોતાની આપવીતી જણાવી છે જેમનું WFI પ્રમુખે જાતીય સતામણી કર્યુ છે. પરંતુ જો અમે દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનને મળીશું તો હું ચોક્કસપણે નામ જાહેર કરી શકીશ.
WFI પ્રમુખને હટાવવાની માંગ
વિનેશ સાથે બેઠેલા ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે ફેડરેશન મનસ્વી રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી WFI પ્રમુખને હટાવવામાં ન આવે ત્યાં સુધી તે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે નહીં. બજરંગ, વિનેશ, રિયો ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવર્ત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ સુમિત મલિક જંતર મંતર પર ધરણા પર બેઠેલા 30 કુસ્તીબાજોમાં સામેલ છે.
બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરી હતી
કુસ્તીબાજોના આરોપો પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરી કે ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ ઓલિમ્પિક બાદ કોઈપણ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. શું તેમને છેલ્લા દસ વર્ષથી ફેડરેશન સાથે કોઈ સમસ્યા ન હતી? જ્યારે નવા નિયમો લાવવામાં આવે છે ત્યારે મુદ્દાઓ સામે આવે છે. જાતીય સતામણીનો કોઈ બનાવ બન્યો નથી.
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે યૌન ઉત્પીડન એક મોટો આરોપ છે. હું તપાસનો સામનો કરવા તૈયાર છું. સૌથી મોટો આરોપ વિનેશ ફોગાટે લગાવ્યો છે. શું કોઈ છે જે કહી શકે કે ફેડરેશને કોઈપણ રમતવીરને હેરાન કર્યા છે. જાતીય સતામણીનો કોઈ બનાવ બન્યો નથી. જો આવું થયું છે, તો હું ફાંસી લગાવી લઇશ.