Hun To Bolish : હું તો બોલીશ : વિજયભાઈને અંતિમ વિદાય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં 'વિજયભાઈ તુમ અમર રહો'ના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા
રાજકોટ, જૂન 16, 2025 – રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે બપોરે રામનાથપરા સ્મશાન ખાતે હજારો શોકમગ્ન લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂત વિલીન થયા. તેમના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.
વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના અનેક અગ્રણીઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. વિજયભાઈની અંતિમયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ, ત્યાં ત્યાં ઠેર ઠેર લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજમાર્ગો પર આશરે 6 કિલોમીટર સુધી 'વિજયભાઈ તુમ અમર રહો' ના નારા ગુંજી ઉઠ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતો હતો.





















