Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશે
ગુજરાત સરકારે ખાસ અભિયાન “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત” લોન્ચ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં કહ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે. મન કી બાતના તાજેતરના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવા પ્રધાનમંત્રીએ અપીલ કરી છે. જેને લઈને રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી કરવા આ અભિયાન હાથ ધરાયું છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકારે નાગરિકો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવા અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.





















