Hun To Bolish | હું તો બોલીશ | ફર્જીવાડાથી સાવધાન
સુરતમાં એક-બે નકલી પોલીસ નહીં પરંતુ આખી નકલી પોલીસની ગેંગ ઝડપાઈ. ઘટના એવી છે કે, વરાછાના પટેલનગરમાં એક એમ્બ્રોડરીનુ કારખાનું આવેલુ છે. અહીં રવિવારની રજા હોવાથી 7 જેટલા મિત્રોએ ભજીયા પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. જેમાં તમામ મિત્રો જુગાર પણ રમી રહ્યા હતા. આ સમયે 5 જેટલા અજાણ્યા શખ્સોએ ડી-સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી રેડ કરી. અને જુગારનો કેસ નહીં કરવા પેટે 1 લાખ 73 હજાર રૂપિયા પડાવી લીધા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઈ ગયા. જુગાર રમતા શખ્સોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો. જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસ્યા તો ખબર પડી કે આ ટોળકી નકલી પોલીસ બની રેડ પાડી લોકો પાસે રૂપિયા ખંખેરતી હતી. હાલ પોલીસે ગુનો નોંધી 3 આરોપી મહેશ ડાંગર, લલિત ખીમજી ચૌહાણ, આકાશ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. આરોપી મહેશ ડાંગર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેના સામે પુણા અને ભાવનગરમાં બે ગુના નોંધાયેલા છે. જ્યારે લલિત ચૌહાણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમરોલી, અડાજણ પોલીસમાં તેની સામે પણ ગુના નોંધાયેલા છે.