Hun To Bolish : હું તો બોલીશ : ભૂવાઓને કોણે આપ્યો પડકાર?
આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું નવાખલ ગામ. જ્યાં સાડા પાંચ વર્ષની દીકરી ગુમ થવાની ઘટનાએ આખા ગામને હલાવી દીધું. આ ઘટના શનિવારની બપોરની છે. માસૂમ બાળકી પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ. બાળકીને શોધવા માટે પરિવાર અને ગ્રામજનોએ આખી રાત સુધી શોધખોળ કરી. બાળકી ન મળતા આખરે રવિવારે સવારે પરિવાર આંકલાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ગામમાં આવેલી એક ખાનગી બેંકના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે ગામનો જ એક યુવક અજય પઢિયાર, બાળકીને પોતાના બાઈક પર બેસાડીને લઈ ગયો હતો.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે અજય પઢિયાર એ બાળકીના કાકાનો મિત્ર છે. તે બાળકીને ઉઠાવીને લઈ ગયો. એટલું જ નહીં જ્યારે ગ્રામજનો બાળકીને શોધતા હતા ત્યારે તે પણ શોધવાનું નાટક કરી રહ્યો હતો. પોલીસે જ્યારે અજય પઢિયારની અટકાયત કરી અને પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારી કબૂલાત કરી. અજયે જણાવ્યું કે તેણે બાળકીને સિંધ રોડ પાસે આવેલી મીની નદીમાં ફેંકી દીધી હતી. આ નિવેદન બાદ પોલીસે એનડીઆરએફની મદદથી રવિવારથી નદી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી, પરંતુ ભારે વરસાદ અને નદીઓમાં પાણીના પ્રવાહને કારણે હજુ સુધી બાળકીનો પતો લાગ્યો નથી.





















