Hun To Bolish : હું તો બોલીશ : DJ વાગ્યું, હાથી ભાગ્યા !
અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હાથી બેકાબુ બન્યા. યાત્રાનું નેતૃત્વ 17 હાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 1 નર અને 16 માદાનો સમાવેશ હતો. રથયાત્રા સાડા નવ વાગ્યાની આસપાસ ખાડીયા ગેટ પર પહોંચી. ત્યારે આગળ ડીજે વાગતા જ માદા હાથી ડરી ગઈ અને દોડાદોડ કરવા લાગી. જેને લીધે નર હાથી પણ આક્રમક બની ગયો અને તે પણ અવાજની સાથે વિરૂદ્ધ દિશામાં દોડવા લાગ્યો હતો. હાથી બેકાબુ થતા જ સવાર મહાવત કુદકો મારીને તાત્કાલિક નીચે ઉતરીને હાથીને કાબુ કરવાના પ્રયાસ કરવા લાગ્યો હતો. બંન્ને બાજુ શ્રદ્ધાળુઓની ભીડ હતી. હાથીને સંભાળવા માટે એક નહીં પરંતુ બે બે મહાવત પાછળ દોડી રહ્યા છે. લોકોને સાઈડમાં ખસી જવાનું કહીને તેઓ હાથીને શાંત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. પોલીસ પણ સીટી વગાડીને લોકોને સાવધાન રહેવાની સૂચના આપતી દેખાઈ હતી. થોડા સમયની જહેમત બાદ આખરે હાથી પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાથી બેકાબુ થવાની રથયાત્રાને પણ 10 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. હાથી બેકાબુ થવા પાછળ ડીજેના મોટા અવાજ હોવાનું સામે આવી રહ્યું છે. ન માત્ર એક હાથી.. અન્ય હાથી પણ રસ્તો બદલીને ગલીમાં ચાલ્યા ગયા હતા. જેને લીધે થોડા સમય માટે આસપાસના લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ ભાગદોડમાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે..





















