Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
અમદાવાદ જિલ્લામાં વરસાદના વિરામને 40 કલાકથી વધુનો સમય વિત્યો છતાં હજુ પણ જળભરાવાની સ્થિતિ યથાવત છે. બાવળા તાલુકાના રૂપાલ ગામનો રસ્તો હજુ જળમગ્ન છે. રસ્તાની આસપાસની અનેક રહેણાંક સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાયેલા છે. આ તરફ બાવળા તાલુકાના ઢેઢાળ ગામની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ઢેઢાળ ગામના મુખ્ય માર્ગ પર ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. કેડસમા પાણીમાં અનેક ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. આ તરફ બાવળા નેશનલ હાઈવે પણ હજુ જળમગ્ન છે. હાઈવે પરની સોસાયટીઓમાં હજુ પણ ચારથી પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા છે. આવી કપરી સ્થિતિમાં અધિકારીઓ ડોકાયા ન હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. સવારે એક જેસીબી મશીન આવ્યું હતું પણ વરસાદી પાણીનો નિકાલ ન થયાનો રહીશોનો દાવો છે.. આ તરફ ધોળકા- બાવળા રોડ પરની સોસાયટીઓ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે. 72 કલાક છતા 50થી વધુ મકાનોમાં પાણી ન ઓસર્યાનો રહીશોનો દાવો છે. આ તરફ બાવળામાં છેલ્લા ત્રણ દિવસથી રેલવે અંડરબ્રિજ નજીકની રત્નદિપ સોસાયટી, સ્વાગત સોસાયટી અને બળિયાદેવ વિસ્તાર જળમગ્ન છે.. પાણીનો નિકાલ ન થતા ગઈકાલે સ્થાનિકોએ ધારાસભ્ય કનુભાઈ પટેલનો ઘેરાવ કર્યો હતો. તો આજે સોસાયટીના સ્થાનિકોએ ચક્કાજામ કરી રોષ વ્યકત કરતા મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા જેનો પણ સ્થાનિકોએ ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો.





















