Hun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?
નવજાત શિશુની તસ્કરી. તે પણ આપણા ગુજરાતમાં. ભલે માનવામાં ન આવે પણ પાટણ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી સ્પષ્ટ થાય છે કે, બાળકને વેચવાનું એક મોટું કૌભાંડ થયું છે. પાટણ જિલ્લાના કોરડાનો રહેવાસી એવો સુરેશ ઠાકોર. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સુરેશ નામના આ શખ્સે 1 લાખ 20 હજારમાં સોદો કરી નવજાત બાળકને વેચ્યું. એટલું જ નહીં. દત્તક તરીકે નોંધાવી આપવાની ગેરંટી આપી સોદો પણ કર્યો. સાથે જ બાળકનું જન્મ સર્ટિફિકેટ ખોટું પણ બનાવ્યું. નિસંતાન અને પાટણના એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરનાર નીરવ મોદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણની જ નિષ્કા નામની હોસ્પિટલનો મેડિકલ સ્ટોર ચલાવનાર નરેન્દ્ર દરજીએ તેને બાળક અપાવવાની વાત કરી. સુરેશ ઠાકોર એક બીમાર નવજાત લઈને નિષ્કા હોસ્પિટલ પહોંચ્યો. બાળકને ત્યાં દાખલ કરાયો અને હોસ્પિટલમાં જ નોકરી કરતો અમરત રાવલે ફોન કરી નીરવ મોદીને બાળકને લઈ જવા જાણકારી પણ આપી. તો નરેન્દ્ર દરજીએ સુરેશ ઠાકોર સાથે ભેટો કરાવી નીરવ મોદીને 1 લાખ 20 હજારમાં બાળક દત્તક તરીકે આપવાની ગોઠવણ પણ કરી. સોદા પ્રમાણે 20 હજાર રૂપિયા નરેન્દ્ર દરજીને આપવાના નક્કી પણ થયા. બાળક મળ્યા બાદ પેમેન્ટ થયું અને નિષ્કા હોસ્પિટલમાંથી ડોક્ટર પાસેથી બાળક મોટું કરવાની સલાહ લઈ નીરવ અને તેમની પત્ની બાળકને લઈ પણ ગયા. જો કે બાળક ફરીથી બીમાર પડ્યું. અને આ જ દરમિયાન દત્તક માટેની કોઈ પ્રોસેસ પણ ન થઈ અને નગરપાલિકાનો ફર્જી જન્મ પ્રમાણપત્ર મોકલાયુ. નીરવે બાળક સુરેશ ઠાકોરને પાછું આપીને તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. આ કેસમાં પોલીસે સુરેશ ઠાકોરને આરોપી બનાવીને ફરિયાદ નોંધી જો કે સોદો અને ભેટો કરાવનારા નરેન્દ્ર દરજી અને અમરત રાવલને આરોપીને નથી ગણાવાયા. એટલું જ નહીં જે નિષ્કા હોસ્પિટલમાં આ સોદો થયો તેના ડોક્ટર વિરુદ્ધ પણ ગુનો નથી નોંધાયો. નિષ્કાનો ડોક્ટર પોતાને પાક સાફ ગણાવે છે.