Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !
સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ રસ્તાના હાલ બેહાલ છે. એસ.જી હાઈવેના દ્રશ્યો જોજો. આખો સર્વિસ રોડ તૂટી ગયો છે. છેલ્લા ત્રણ મહિનાથી ABP અસ્મિતા સહિત અનેક મીડિયાએ આ ખખડધજ રોડ અંગે અહેવાલો રજૂ કર્યા છે છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી. મોટા પથ્થર રોડ ઉપર આવી જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે.
આ દ્રશ્યો છે નારોલ વિસ્તારમાં આવેલા લાંભા વોર્ડના. અહીં રસ્તા પરના ખાડાથી અનેક વખત અકસ્માતના બનાવ બની ચૂક્યા છે. સ્થાનિકોના મતે, છેલ્લા પાંચ વર્ષથી રસ્તો બિસ્માર છે. ચોમાસામાં તો ભારે પરેશાની ઉઠાવવી પડે છે. કોર્પોરેશનમાં રોડ બનાવવામાં માટે અનેક વખત રજૂઆત કરાઈ છતાં હજુ સુધી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. લાંભા વોર્ડનો એક માત્ર આ રસ્તો જ બિસ્માર છે તેવું નથી. લક્ષ્મીનગર વિસ્તારમાં પણ તૂટેલા રસ્તાથી વાહન ચાલકો સાથે સ્થાનિક દુકાનદારો પરેશાન છે. દુકાનદારોનું કહેવું છે કે, તૂટેલા રસ્તા પરની ધુળની ડમરી ઉડતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દુકાનોમાં ધૂળ ભરાઈ જતા નવો માલ પણ ખરાબ થાય.
અમદાવાદ શહેરમાં દિવાળી સુધીમાં AMCએ 66 રોડ રિપેરિંગ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. જેની સામે 35 રોડની જ કામગીરી પૂર્ણ કરી છે. હાલ શહેરમાં 13 રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. 5 રોડ સંપૂર્ણ રીતે બનાવવાના બાકી છે. કુલ 39 હજાર 66 મીટરના રોડ હાલ સુધી બનાવવામાં આવ્યા છે. ઉતર ઝોનમાં 6 રોડ બનાવવાના લક્ષ્ય સામે હાલ 1 રોડ બાકી. પૂર્વ ઝોનમાં 6 રોડ બનાવવાના લક્ષ્ય સામે 2 રોડ બનાવવાના બાકી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 રોડ બનાવવાના લક્ષ્ય સામે 4 રોડની કામગીરી ચાલુ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 રોડ બનાવવાની કામગીરી સામે 2 રોડ બનાવવાના બાકી. મધ્ય ઝોનમાં 5 રોડ બનાવવાની કામગીરી સામે 2 રોડ બનાવવાની કામગીરી બાકી. પશ્ચિમ ઝોનમાં 14 રોડ બનાવવાની કામગીરી સામે 3 રોડ બનાવવાની કામગીરી બાકી છે.