Hun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?
પાટણમાં કેન્દ્રીય વિદ્યાલયને ઉદ્ધાટનની રાહ
આવી જ સ્થિતિ છે પાટણ જિલ્લામાં. અહીં 20 કરોડના ખર્ચે ચોરમારપુરા ગામે કેન્દ્રીય વિદ્યાલયના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું. જોકે કેન્દ્રીય વિદ્યાલયના બિલ્ડીંગ તૈયાર હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી નથી કરાયું લોકાર્પણ. જેના કારણે વિદ્યાર્થીઓ તો હાલમાં પાટણની કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્રણ વર્ષથી બંધ બિલ્ડીંગ હાલ જર્જરિત બની રહ્યું છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે થોડા સમય પૂર્વે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કરી ત્યાં સ્કૂલ કાર્યરત કરવામાં આવે તેવી માગ કરી.
વડોદરામાં અતિથિ ગૃહ છ મહિનાથી તૈયાર, ઉદ્ધાટનની રાહ
સંસ્કારી નગરી વડોદરા. જુઓ અહીં નિઝામપુરા વિસ્તારમાં 3 કરોડ 75 લાખના ખર્ચે નવા અતિથિગૃહનું નિર્માણ કરાયું. અતિથિગૃહનું નિર્માણ થઈ ચૂક્યાને પણ બે વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. પણ હજુ આ અતિથિગૃહના ઉદ્ધાટન માટે જોવાઈ રહી છે રાહ. છેલ્લા છ મહિનાથી તો ખુદ મહાપાલિકાના કોર્પોરેટરો પણ રજૂઆત કરી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનેલા અતિથિગૃહનું લોકાર્પણ કરવામાં આવે.. જેથી શહેરીજનો લગ્નપ્રસંગોએ અતિથિગૃહનો ઉપયોગ થઈ શકે અને મહાપાલિકાની તિજોરીમાં આવક પણ થાય. આધુનિક અતિથિગૃહ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. હવે તો રજૂઆત કરીને થાકેલા ખુદ મહાપાલિકાના જ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું કે જો અતિથિગૃહનું કોર્પોરેશન લોકાર્પણ નહીં કરે તો અમે અતિથિગૃહને ખૂલ્લુ મૂકીશું. તો ડે. મેયર ચિરાગ બારોટે દાવો કર્યો કે ફાયરની યોગ્ય સુવિધાનો અભાવ છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ વહેલામાં વહેલી તકે લોકાર્પણ કરાશે.