Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતો હતો તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે.વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સિંહને પકડી પાડ્યો હતો. પશુચિકિત્સકે કરેલી તપાસ દરમિયાન સિંહની ઊલટીમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. આ ઉપરાંત શંકાસ્પદ અન્ય બે સિંહોને પણ પકડી લેવામાં આવ્યા છે. તેમને વધુ તપાસ અને પરીક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવશે.






















