Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોર નેતા?
અમરેલીના સાવરકુંડલામાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીએ 12 મેએ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ મુદ્દે મૃતક અશોકભાઈ ચૌહાણના પુત્રએ ભાજપ નેતા સહિત 8 લોકો સામે 12 તારીખે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર રઘુ ખુમાણ અને મહેન્દ્ર નથવાણીની ધરપકડ કરી છે. જો કે, ફરિયાદ થયાના 48 કલાકથી વધુનો સમય વીતી ગયો પણ સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમા સહિત હજુ 6 લોકો પકડાયા નથી. વ્યાજખોરો સામે આરોપ છે કે, રકમ કરતા બેથી ત્રણ ગણા પૈસા આપી દીધા હોવા છતાં વ્યાજની ધાક ધમકી આપી ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાએ તેને 1 લાખ રૂપિયા દર મહિને 10 ટકાના વ્યાજે આપ્યા હતા. સમાજના પ્રમુખ બીપીન શેલારે 9 લાખ ઉંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા. મહેન્દ્ર નથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6 હજાર વ્યાજ વસૂલતો હતો. નિરવ ખેરાજ અઢી લાખનું દર મહિને 8 ટકા વ્યાજ વસૂલતો હતો. મુકેશ નથવાણીને 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચુકવી દીધું હોવા છતાં 3 લાખ રૂપિયા માંગતો હતો. જીતુ વાળા 2 લાખનું દર મહિને 8 હજાર વ્યાજ. અને તેના પિતા મનુ વાળા 6 લાખનું દર મહિને 30 હજાર વ્યાજ વસૂલતા હતા. અને રઘુ ખુમાણ બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરી મિલકત પચાવી પાડવાની ધમકી આપતો હતો. જો કે, આ મુદ્દે ભાજપ પક્ષે ભાવેશ વિકમાને તમામ હોદ્દા અને સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. જો કે, સાવરકુંડલા પોલીસ પર ઉભા થયા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ કેમ વ્યાજખોર નેતા પકડાયો નથી. ભાજપના નેતાને કોણ છૂપાવી રહ્યું છે.





















