Ahmedabad Suicide Case: અમદાવાદમાં માતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષનું બાળક અને પરિણીતાનું મોત
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આજે એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરૂણ ઘટનામાં માતા અને તેના બે વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે બે બાળકીઓની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં રહેતી કૃપા પંચાલ નામની પરિણીતાએ પોતાના પતિ અને ત્રણ બાળકો – પુત્ર વ્રજ અને પુત્રીઓ મેશ્વા અને દિવ્યા સાથે આજે સવારે આ ગોઝારું પગલું ભર્યું હતું. પરિણીતાએ કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા ભેળવી હતી અને ત્રણેય બાળકોને પીવડાવી દીધી હતી. બાદમાં પોતે પણ એ જ ઝેરી કોલ્ડ્રિંક્સ પી લીધું હતું.




















