CR Patil: જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહમાં સી.આર.પાટીલનું મોટું નિવેદન
આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા છે. તેમનો પદગ્રહણ સમારોહ કમલમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગેે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનું અંતિમ સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળની સફળતાઓ અને પડકારો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને પ્રદેશ ભાજપની જે જવાબદારી સોંપવામાં આવી હતી, તે તમામ કાર્યકરોના સાથ-સહકારથી તેમણે સફળતાપૂર્વક નિભાવી.
પ્રદેશ અધ્યક્ષ તરીકેના પોતાના અંતિમ સંબોધનમાં સી.આર. પાટીલે પક્ષની સિદ્ધિઓ અને સાથે જ કેટલીક ઉણપોનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હતો, પરંતુ પક્ષ 156 બેઠકો પર અટકી ગયો, જેનો તેમને અફસોસ છે. આ ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં પણ એક બેઠક ગુમાવવાનો તેમને અફસોસ રહેશે, અને તેમણે સ્વીકાર્યું કે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમનામાં ક્યાંક ઉણપ રહી હશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે આવનારી ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠકો ચોક્કસ જીતશે.
















