Saurashtra Unseasonal Rain: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેડૂતોની હાલત કફોડી
કુદરત જાણે રુઠી છે. શિયાળાના પગરવ સમયે વરસી રહ્યો છે ભારે વરસાદ. લોકોને સ્વેટરના બદલે રેઈનકોટ સાથે રાખવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માવઠાનો માર સહન કરી રહ્યા છે. ગીર સોમનાથ પંથકમાં વરસ્યો ભારે વરસાદ. 24 કલાકમાં જિલ્લામાં 3 થી 7 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો. સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 7 ઇંચ, ઉનામાં 5 ઇંચ, તો વેરાવળ, ગીર ગઢડા અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદના કારણે હિરણ - 2 ડેમમાં પાણીની થઈ ભારે આવક. ડેમના 2 દરવાજા 0.5 મીટર સુધી ખોલી છોડવામાં આવ્યું પાણી. પ્રશાસને નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ. તાલાલાના ઉમરેઠી, માલજીજવા, સેમરવાવ સહિત. વેરાવળના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, નાવદરા, સોનારીયા, બાદલપરા, મીઠાપુર અને પ્રભાસ પાટણ ગામોને સતર્કતા સૂચના આપવામાં આવી.
ગીર સોમનાથા સુત્રાપાડાના પ્રશ્નવડા ગામે રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા. સુત્રાપાડાના લાંટી ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા. સુત્રાપાડાના નિરીયાવાવ વિસ્તારમાં પણ મગફળીના પાથરા પલળી ગયા. સુત્રાપાડાના ગાગેથા અને અરણેજ ગામ નજીક થી પસાર થતી હોમત નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ. હોમત નદીમાં વહેતા થયા વરસાદી પાણી.
ગીર સોમનાથના પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર. સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ. પ્રાચી તીર્થના માધવરાય ભગવાન થયા જલમગ્ન. સરસ્વતી નદીના પાણી મંદિરમાં પ્રવેશ્યા.. મંદિરમાં 8 થી 10 ફૂટ જેટલા ભરાયા પાણી.
ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદને પરિણામે નદી નાળા છલકાયા. વેરવાળની ભાગોળેથી પસાર થતી દેવકા નદી બે કાંઠે વહી. આંબલિયાળા ગામને જોડતા મુખ્ય માર્ગ પર કોઝ વે પર પાણી ફરી વળ્યાં. વાહન વ્યવહાર થયો પ્રભાવિત..



















